ગેમિંગની લતે લીધો જીવ: જુગારમાં રૂપિયા હારી જતા 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Rajkot Suicide News: ઓનલાઇન ગેમિંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો જુગાર, કસીનો અને ક્રિકેટ સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતા કોઇ રસ્તો ન મળતા આપઘાત કરી લે છે અને આવી ઘટનાઓ દિવસેને દિવસે સામે આવતી રહે છે, ત્યારે રાજકોટ શહેરમાં (Rajkot Suicide News) આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં 20 વર્ષીય યુવકે ઑનલાઈન ગેમિંગ એપમાં રૂપિયા ગુમાવી દેતા અંતિમ પગલું ભર્યું છે. હાલ તો પોલીસે મૃતકના મોબાઈલમાંથી મળેલી સ્યુસાઈડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ઓનલાઇન ગેમિંગના ચક્કરમાં ગુમાવ્યો જીવ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડિત (20) નામના યુવકે ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે ગળે ફાંશો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.આ સમયે તેમના પરિવારજનો ક્રિષ્નાના રૂમમાં પ્રવેશી બોલાવવા જતા ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ સમયે દેકારો બોલી જતા પાડોશમાં રહેતા નવીનભાઇએ તુરંત 108ને જાણ કરી હતી. જે બાદ 108ના EMT દિવ્યાબેન બારોટ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રિષ્ના પંડીતને મૃત જાહેર કર્યો હતો.

મૃતદેહને પીએમ માટે મોકલ્યો
જે બાદ યુવકના મૃત્યુની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કરવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. રવિભાઇ વાસદેવાણી અને રાઇટર સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાગળો કરી ક્રિષ્ના પંડીતનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ક્રિષ્ના એક ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગઇકાલે ક્રિષ્નાના પિતા કામ પર ગયા હતા અને માતા તેમજ બહેન બજારમાં ગયા હતા, ત્યારે તેણે અંતિમ પગલું ભર્યું હતુ. બહાર ગયેલા પરિવારજનો બપોરના સમયે પરત ફરતા પુત્ર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

મોબાઇલમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી
મૃતક ક્રિષ્ના પંડીતના મોબાઇલમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પોતે ઓનલાઇન ચાલી રહેલી ગેમિંગ એપમાં સટ્ટો રમતો હતો અને તેમાં મોટી રકમ હારી જતા કોઇને મોં દેખાડવાને લાયક ન રહેતા પોતે આ પગલુ ભરતો હોવાની પરિવારને સંબોધીને લખ્યુ હતુ. આ ઘટના મામલે હવે ગાંધીગ્રામ પોલીસ મથકના PSI પી. બી. વારોતરીયા તપાસ ચલાવી રહયા છે. આ ઘટનાથી મૂળ બિહારનો પ્રજાપતિ પરિવાર શોકમાં ગરક થઇ ગયો છે.

મૃતક ક્રિષ્ના પંડિતની અક્ષર:સહ સ્યૂસાઇડ નોટ
હું આપઘાત કરી રહયો છું, કારણકે મેં બધાજ નાણાં ઓનલાઇન ગેમિંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમા ગુમાવી દીધા છે. તેમજ અંતિમ પળોમાં પોતાના માતા-પિતાને માફી માંગતા તેમણે લખ્યુ છે કે, સ્ટેક જેવી બેટિંગ સાઇટ પર તેઓએ બધુજ ગુમાવી દીધું છે. તેમજ જીવન જીવવા માટેની આશા પણ ગુમાવી દીધી છે. મારા આ નિર્ણય માટે કોઇપણ વ્યકિત જવાબદાર નથી. તેનો જવાબદાર માત્રને માત્ર હું જ છું. જુગારનું વ્યસન વ્યકિતને અંદરથી ખાલી કરી દે છે. આ જુગારમાંથી છોડાવવા મિત્રો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ હું જુગારની લત છોડી શકયો નહોતો અને આ વ્યસન મને ચરમસીમાએ લઇ ગયુ હતું. તેમજ બહેનનો ફોન સમયાંતરે ચેક કરતા રહેજો. તેનુ ધ્યાન રાખજો. તે કોઇ ખોટુ પગલુ ન ભરે.