અંધશ્રદ્ધાએ લીધો માસુમનો જીવ: 3 માસની બીમાર બાળકીની ભુવાએ વિધિ કરતાં નીપજ્યું મોત; જાણો સમગ્ર મામલો

Surendranagar News: આધુનિક જમાનામાં અંધશ્રદ્ધાનો કહેર જોવા મળતો રહે છે. શ્રદ્ધામાં રહેલો માણસ ક્યારેક અંધશ્રદ્ધામાં ડૂબી જાય છે. તે તેને પણ જાણ હોતી નથી. આવુ જ કંઈક સુરેન્દ્રનગરના(Surendranagar News) જોરાવરનગરમાં રહેતા પરિવાર સાથે થયું છે. આ પરિવાર બાળકી બીમાર પડતા શ્રદ્ધા સાથે ભુવા પાસે ગયેલ પણ ભુવાએ માસૂમના શરીર પર અગરબત્તીના ડામ આપ્યા હતા.

3 માસની બાળાને ભુવા પાસે લઈ ગયા
પ્રાપ્ત વિગત મુજબ જોરાવરનગરમાં રહેતો પરિવાર ખેત મજૂરી કરે છે. અહીં એક ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. બાળકીનો પરિવાર માતાજી અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે. અહીં ઝૂંપડપટ્ટીમાં એક ભુવા હોય તેના સંપર્કમાં પણ આ પરિવાર રહેતો હતો. દરમિયાન બાળકી બીમાર પડી હતી. તાવ, શરદી રહેતા હતા. પરિવારે પ્રાથમિક સારવાર કરાવી હશે. પણ પરિવારને શું સુજ્યું કે, 3 માસની બાળાને ભુવા પાસે લઈ ગયા અહીં ભુવાને હવાલે બાળકીને કરી દીધી.

ફૂલ જેવી બાળકીને ડામ આપવામાં આવ્યો
રાજકોટમાં ત્રણ માસની એક બાળકી તેમજ ત્રણ માસના શિવરાજ ગુંદીયા નામના બાળકને ભુવાએ અગરબત્તીના ડામ દીધા છે. જેના કારણે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્રણ માસના બાળકના પિતા રેમા ગુંદીયાએ કહ્યું કે, બાળકને મધ્યપ્રદેશ ખાતે તબિયત સારી ન હોવાના કારણે દાદા-દાદી ભુવા પાસે લઈ ગયા હતા. ત્યાં તેને ડામ આપવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશથી રાજકોટ પાછા ફરતા સમયે તેની તબિયત વધુ ખરાબ થતાં તેને સારવાર માટે ઝનાના હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો.

ઝાડા ઉલ્ટીના કારણે ICUમાં બાળકીને દાખલ કરવામાં આવી
અન્ય એક ઘટના સુરેન્દ્રનગરના જોરાવર નગરમાં ઘટીત થઈ હોવાનું સામે આવ્યું છે. ત્રણ માસની બાળકીને ડામ આપી હોવાની ઘટના સામે આવી છે. ભુવાએ 3 માસની બાળકીને છાતી ઉપર અગરબત્તીના ડામ આપ્યા છે. જે બાદ બાળકીને પ્રાથમિક સારવાર સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવી હતી. જો કે, વધુ સારવાર માટે તેને રાજકોટ ખાતે રિફર કરવામાં આવી છે. હાલ તાવ અને ઝાડા ઉલ્ટીના કારણે ICUમાં બાળકીને દાખલ કરવામાં આવી છે.

તબિયત સુધરવાના બદલે વધુ બગડી
પરિવારના જણાવ્યા મુજબ, માસૂમ બાળકી એક ભાઈ એક બહેનમાં નાની છે. તેના પિતાને પણ ગંભીર બીમારી છે. બાળકી પણ થોડા સમયથી બીમાર હોય, પિતાની બીમારીની અસર થઈ હોય તેવું પરિવારને લાગતા દવા સાથે દુવા પણ કામ લાગે તેવી આશા સાથે ભુવા પાસે ગયા હતા. પણ ભુવાએ માસૂમના શરીર પર ડામ દેતા તબિયત સુધરવાના બદલે વધુ બગડી હતી.

ડામ આપનારા પરિવારજનો વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી
બનાવ સંદર્ભે જોરાવર નગર પોલીસ સ્ટેશન ખાતે એમ.એલ.સી અંતર્ગત નોંધ મોકલવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરની ઝનાના હોસ્પિટલ ખાતે વિજ્ઞાન જાથા દ્વારા મુલાકાત લઈ ડામ આપનારા પરિવારજનો વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં, પરિવારજનો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ઘટનાને વિજ્ઞાન જાથા દ્વારા વખોડવામાં આવી છે.