વડોદરામાં માતાએ ઠપકો આપતા ધો.7ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત; જાણો સમગ્ર ઘટના વિગતે

Vadodara News: વડોદરા શહેરના છેવાડે આવેલા વેમાલી ખાતે શ્રવણ એન્કલેવમા રહેતા અને બ્રાઇટ ડે સ્કૂલમાં CBSEમાં ધોરણ-7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ (Vadodara News) ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ વિદ્યાર્થીની પરીક્ષા ચાલી રહી છે, માતાએ અભ્યાસ કરવા માટે ઠપકો આપતાં તેણે આપઘાત કરી લીધો હતો. જે બાદ આ બનાવ અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બાળકના મૃતદેહને જોઇ પોલીસકર્મીઓ હતપ્રભ બન્યા હતા.

બારીમાં બેલ્ટ બાંધી ગળેફાંસો ખાધો
મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વેમાલીમાં એમ. એસ. હોસ્ટેલ પાસે B-302, શ્રવણ એન્કલેવમાં અરુણભાઇ વસંતરાવ ગુંડેકર પત્ની અને બે બાળકો સાથે રહે છે અને મંજુસર જીઆઇડીસીમા NBC કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવે છે. તેમનાં બે સંતાનો પૈકી મોટા 13 વર્ષના પુત્ર નિમિષે મંગળવારે બપોરના સમયે પોતાના બેડરૂમમાં બારી સાથે બેલ્ટ બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

અભ્યાસ બાબતે ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું
આપઘાત કરી લેનારના પિતા અરુણભાઇ ગુંડેકરે જણાવ્યું હતું કે, પુત્ર નિમિષની પરીક્ષા ચાલી રહી હતી. અંગ્રેજીનું પેપર હતું. આથી પત્નીએ અભ્યાસ માટે ઠપકો આપ્યો હતો. નિમિષને માતાએ આપેલો ઠપકો સહન ન થતાં રૂમમાં જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ મંજુસર પોલીસને કરવામાં આવતા એ.એસ.આઇ. દિવ્યાબેન સ્ટાફ સાથે દોડી આવ્યાં હતાં અને મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

વિદ્યાર્થીનો મૃતદેહ જોઈ પોલીસકર્મીઓ હતપ્રભ બન્યા
મળતી માહિતી પ્રમાણે આ બનાવની જાણ થતાં દોડી ગયેલા મહિલા પોલીસ અધિકારી પણ માસૂમ વિદ્યાર્થી નિમિષનો મૃતદેહ જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારને અંતિમવિધિ માટે સોંપ્યો હતો. હાલ મંજુસર પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.