નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન: લોકસભાની ચૂંટણી પહેલા તૂટશે કોંગ્રેસ

ગુજરાતમાં કોંગ્રેસમાં ડામાડોળ જેવી સ્થિતિ વચ્ચે ગત રોજ નવી દિલ્હી ખાતે બેઠક કરી કોંગ્રેસે આંતરિક નારાજગી ન હોવાનો ખુલાસો કર્યો છે પણ આજે નીતિનભાઈએ કોંગ્રેસમાં…

ગુજરાતમાં કોંગ્રેસમાં ડામાડોળ જેવી સ્થિતિ વચ્ચે ગત રોજ નવી દિલ્હી ખાતે બેઠક કરી કોંગ્રેસે આંતરિક નારાજગી ન હોવાનો ખુલાસો કર્યો છે પણ આજે નીતિનભાઈએ કોંગ્રેસમાં આંતરિક કલહ મામલે મોટો ખુલાસો કર્યો છે. નીતિનભાઈનો ઇશારો એ તરફ છે કે, કોંગ્રેસમાંથી કદાવર નેતાઓને ભાજપ લોકસભા પહેલાં ખેંચી શકે છે. નીતિનભાઈનું વિનેદન એટલા માટે સૂચક છે કે, અલ્પેશ ઠાકોર ભાજપમાં કેટલાક ધારાસભ્યો સાથે જોડાય તેવી હવા આજે ઉઠી છે.

આ દરમિયાન નીતિનભાઈના આ નિવેદને ગુજરાતના રાજકારણમાં ચકચાર મચાવી છે. કોંગ્રેસનો ભૂતકાળ જ તૂટવાનો રહ્યો છે. શંકરસિંહથી લઇને બાવળિયા તેનું તાજું ઉદાહરણ છે.

ભાજપની આ પંરપરા રહી છે કે, ભાજપ જીતવા માટે કોઇ પણ હદ સુધી જઈ શકે છે. ભાજપે અગાઉ પણ કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં સ્થાન આપ્યું છે.

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ સામે પરાજિત થયા બાદ કોંગ્રેસમાં અસંતોષની આંધી ઉઠી છે. ખાસ કરીને સિનિયર નેતાઓ દ્વારા પોતાની અવગણના થઈ રહી હોવાનો કકળાટ શરૂ કર્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પ્રથમ વાર ચૂંટાયેલા યુવા નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ છે. તેમની સાથે કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો અને આગેવાનો પણ કોંગ્રેસ છોડીને જતા રહે તેવી શક્યતાઓ છે.

સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે ભાજપે અલ્પેશ ઠાકોરને ઓફર આપી છે કે જો તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવશે તો તેઓને પણ કુંવરજી બાવળીયાની જેમ મંત્રીપદ અપાશે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો તેને મોટો ફાયદો થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઠાકોર સમાજમાં અલ્પેશનું આજે પણ પ્રભુત્વ છે. આ બાબતે અલ્પેશ ઠાકોરે કોઈ ખુલાસો કર્યો નથી પણ સાંસદની ટીકિટ માટે આ પ્રેશર ટેક્ટિસ પણ હોઈ શકે છે.

બાવળિયાની જેમ અલ્પેશને પણ થશે ફાયદો

અત્રે નોંધનીય છે કે પાંચેક મહિના પહેલાં કોંગ્રેસથી કંટાળીને કોળી સમાજના વરીષ્ઠ નેતા કુંવરજી બાવળીયા કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેઓને ભાજપે સીધા જ કેબિનેટ મંત્રી પણ બનાવી દીધા હતા. ત્યારબાદ જસદણ વિધાનસભાની યોજાયેલી પેટાચૂંટણીમાં તેમને જીતાડવા માટે સરકારે તમામ મદદ કરી હતી.

કોંગ્રેસમાંથી મજબૂત નેતાઓને ભાજપમાં લેવાના પ્રયાસો તેજ બનાવ્યા

અલ્પેશ ઠાકોરને પણ ભાજપે ઓફર આપી હોવાની વાત છે. લોકસભાની ચૂંટણી આડે હવે માંડ સાડા ત્રણ મહિનાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી મજબૂત નેતાઓને ભાજપમાં લેવા માટેના પ્રયાસો ફરીથી તે જ બનાવ્યા છે. અગાઉ પણ થોડો સમય પહેલા સચિવાલયમાં એવી અફવા હતી કે અલ્પેશ ઠાકોર અન્ય ચારથી પાંચ ધારાસભ્યોને લઈને ભાજપમાં જઈ રહ્યા છે પરંતુ એ વાત ખોટી પડી હતી. અફવા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડે અલ્પેશ ઠાકોરને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સહપ્રભારી તરીકેની જવાબદારી આપી હતી.

અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે

તેમજ કેન્દ્રીય પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું હતુ પરંતુ હવે ફરીથી અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. અલ્પેેશ ઠાકોરની અગાઉ પણ અા પ્રકારની હવા ચાલી હતી. હવે ફરી આ ચર્ચા ચાલુ થઈ છે.

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો બક્ષીપંચના મોટા ભાગના વોટનો કોંગ્રેસને સીધો ફટકો પડી શકે તેમ છે. અલ્પેશ ઠાકોરનું ભાજપમાં જવું ભાજપ માટે ફાયદાકારક છે.. કારણ કે ભાજપ પાસે ઠાકોર સમાજનો એક પણ કદાવર નેતા નથી જે ભીડ એકઠી કરી શકે. અલ્પેશ ઠાકોર મેદની એકઠી કરવામાં માહેર છે. અલ્પેશ ભાજપમાં જોડાય તો કોંગ્રેસનો મોટો ફટકો પડી શકે તેમ છે. આગામી સમય જ બતાવશે કે કેવા સમીકરણો ઘડાય છે પણ ભાજપ માટે બાવળિયાની જેમ આ ફાયદાનો સોદો છે.

દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના નિવાસે મોડી રાત સુધી ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ઠારવા ચર્ચા થઇ હતી. જે મુજબ હવે કોંગ્રેસમાં ચાર વર્કિગ પ્રેસિડેન્ટની ફોરમ્યુલા અપનાવાઇ છે.

આ ઉપરાંત સિનિયર નેતાઓને લોકસભા ઝોન ઇન્ચાર્જ પણ બનાવામાં આવશે. મોડી રાતની આ બેઠકમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહીલ, સિદ્ધાર્થ પટેલ, મધુસુદન મિસ્ત્રી અને ભરત સોલંકી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મોડી રાતની મેરેથોન આ બેઠકનો રિપોર્ટ અહેમદ પટેલ અને રાજીવ સાતવ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપવામાં આવશે. કોઈ પણ નેતાની અવગણના નહીં કરાય તેની ખાતરી અપાઈ છે. લોકસભામાં તમામને નાની મોટી જવાબદારી સોંપાશે તેની કામગીરી કરવાની પણ તૈયારી રાખવાનું આ બેઠકમાં જણાવાયું છે.

સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર કરાશે

આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે પ્રચારની રણનીતિ ઘડાઇ હોવાનુ પ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ. લોકસભા ચૂંટણીને હવે ૯૦ જેટલો સમય બાકી હોવાને કારણે હવે પ્રચાર પૂરજોશમાં ચાલુ કરવા માટે રણનીતિ ઘડાઇ હતી. સાથે જ સોશિયલ મીડિયા પર આક્રમક પ્રચાર અંગે પણ ચર્ચા કરાઇ હતી. તેમણે ભાજપના કેટલાક નારાજ નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં હોવાનુ જણાવ્યુ હતુ.

ભાજપના આ નેતાઓને કોંગ્રેસમાં સમાવેશને લઇને પણ ચર્ચા કરાઇ હતી. આગામી અઠવાડીયામાં ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. તેમણે કહ્યુ કે સંકલનનો જે કોઇ અભાવ છે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશુ.

તાજેતરમાં પક્ષના સિનિયર નેતાઓની મળેલી બેઠકને લઇને પક્ષમાં આંતરીક જુથવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. જસદણની હાર બાદ સિનિયર નેતાઓએ પ્રદેશ નેતાગીરી સામે નારાજગી વ્યકત કરી હતી. આવામાં આ બેઠક મહત્વની મનાય છે.

કોંગ્રેસ નેતાઓમાં નારાજગી હોવાના અહેવાલોને પણ ફગાવ્યા

અમિત ચાવડાએ આવનારી ચૂંટણી સૌએ સાથે મળીને લડવાની નેમ વ્યકત કરી હતી. આ બેઠક પણ તેના માટે જ મળી હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે કોંગ્રેસ નેતાઓમાં નારાજગી હોવાના અહેવાલોને પણ ફગાવ્યા હતા. તો સિનિયર નેતાઓની બેઠકને તેમણે પક્ષની આંતરીક લોકશાહીના પ્રતિક સમાન ગણાવી હતી. તેમણે આને ગેરશિસ્ત ન ગણતા આવી બેઠકો થકી મળેલા સૂચનોને અહી મળેલી બેઠકમાં ચર્ચા થયાનું જણાવ્યું હતું.

ગુજરાતના નેતાઓ સાથે હાઈ કમાન્ડે લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકોના સંદર્ભમાં પણ ચર્ચા-વિચારણા કરી છે તેમજ ગુજરાત માંથી વધુને વધુ કેટલી બેઠક કઈ રીતે જીતી શકાય. તેનો રિપોર્ટ કરવાની સૂચના પણ આપી દેવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *