બેફામ દોડતી સિટી બસે વધુ એક પરિવારનો માળો વિખેર્યો! માતા-પુત્રીને અડફેટે લેતા માતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું

સુરત: શહેરમાં અવાર નવાર સિટી બસોની બેદરકારી સામે આવતી જ રહે છે. સીટી બસોએ ન જાણે કેટલાય લોકોના જીવ લીધા છે. ત્યારે હાલ બ્લૂ સિટી બસે વધુ એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગુરુવારના રોજ પુત્રીને સ્કૂલેથી ઘરે લઈ જતી મોપેડ સવાર માતા-પુત્રીને પૂરપાટ ઝડપે આવતી સિટીબસના ચાલકે અડફેટે લીધાં હતાં. જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે પુત્રી ઈજાગ્રસ્ત થઈ હોવાને કારણે તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

માતા-પિતા બાળકોને સ્કૂલેથી લેવા ગયાં હતાં:
પ્રાપ્ત વિગતો મુજબ, હુસેન શેખ સુરતના બેગમપુરા મુરગવાન ટેકરા પાસે રહે છે. તેઓ ડ્રાઈવરની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનાં બે સંતાનો પિપલોદની શારદાયતન સ્કૂલમાં ભણે છે. ત્યારે ગુરુવારના રોજ હુસેન અને તેમની 41 વર્ષીય પત્ની ફરહાનાબાનુ પોતાનાં સંતાનોને સ્કૂલે લેવા માટે અલગ અલગ મોપેડ અને બાઈક પર ગયાં હતાં.

શાળાએથી લઈને પરત ફરતી વેળાએ હુસેન પુત્રને લઈ આગળ નીકળ્યો હતો, જ્યારે ફરહાનાબાનુ 16 વર્ષીય પુત્રી ઝુવેરિયાને મોપેડ પર લઈ પાછળ આવતાં હતાં. આ દરમિયાન માતા-પુત્રી પાર્લેપાઈન્ટ લાલબંગલા સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક સિટીબસના ચાલકે અડફેટમાં લઈ ફરહાનબાનુ અને પુત્રીને ટક્કર મારી કચડી નાખ્યાં હતાં. જેમાં ફરહાનબાનુનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. તેમજ ઈજાગ્રસ્ત પુત્રીને 108ને બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં. અકસ્માતની આ સમગ્ર ઘટના સ્થળા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે. સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેથી પોલીસે સિટી બસના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *