દોડતી ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક કોબ્રા નીકળતા પ્રવાસીઓના ‘મોતિયા મર્યાં’, જુઓ LIVE વિડીયો

Snake In Raribrath Train: જરા કલ્પના કરો કે તમે ક્યાંક જઈ રહ્યા છો અને અચાનક તમને સાપ દેખાય છે,તો તમારી હાલત શું થાય… જો કે તેને જોઈને તમારો આત્મા કંપી જશે. ત્યારે આવો જ એક કિસ્સો ટ્રેનમાં સામે આવ્યો છે. મુસાફરો એસી કોચમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે એક ઝેરી સાપ (Snake In Raribrath Train) તેની ફેણ ફેલાવીને બાજુની ઉપરની સીટ પર બેઠો હતો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ટ્રેનમાં સાપ નીકળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

ગરીબરથ ટ્રેનમાંથી સાપ જોવા મળ્યો
મળતી માહિતી મુજબ, રવિવારે ગરીબ રથ એક્સપ્રેસ 12187માં અચાનક એક ઝેરી સાપ દેખાયો હતો. આ ટ્રેન સાંજે 7.50 વાગ્યે જબલપુરથી મુંબઈ શિવાજી મહારાજ ટર્મિનસ જઈ રહી હતી, પરંતુ ભુસાવલ અને કસારા સ્ટેશન વચ્ચે ગરીબ રથ એક્સપ્રેસના SC કોચ G17માં બાજુની ઉપરની સીટ નંબર 23 પાસે 5 ફૂટ લાંબો સાપ લટકતો જોવા મળ્યો હતો.

સાપને જોઈને લોકોમાં ગભરાટ ફેલાયો
પહેલા મુસાફરોને ખબર ન પડી, પરંતુ આ દરમિયાન એક મુસાફરે સાપને જોયો અને બીજા સાથીદારને કહ્યું. મુસાફરોએ સાપને જોતા જ તેમનામાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ ચીસો પાડવા લાગ્યા હતા. કોચમાં ભયનું વાતાવરણ હતું અને મુસાફરોએ સ્ટાફને જાણ કરી હતી. આ દરમિયાન કેટલાક મુસાફરોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઉઠ્યા અનેક સવાલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક સાપ બાજુની ઉપરની સીટ પર લટકતો જોવા મળે છે અને મુસાફરો ડરી ગયેલા જોવા મળે છે. રેલવે પ્રશાસને ટ્રેનને અધવચ્ચે જ રોકી દીધી અને મુસાફરોને બીજા કોચમાં મોકલી દીધા. તેમજ G17 કોચને તાળું મારી દેવામાં આવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે સાપ ક્યાંથી આવ્યો અને SC કોચમાં ક્યાં છુપાયેલો હતો.

રેલવેએ સ્પષ્ટતા કરી
આ અંગે વેસ્ટ સેન્ટ્રલ રેલ્વે ઝોનના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સાપ બહાર આવવાની ઘટના પ્રકાશમાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના કસારા રેલવે સ્ટેશન પાસે બની હતી. રેલવે સ્ટાફ દ્વારા બોગીઓની નિયમિત સફાઈ કરવામાં આવે છે.