ભુજના માધાપર નળ સર્કલ પાસે ટ્રેલરે બાઈકને અડફેટે લેતાં દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત, જાણો સમગ્ર મામલો

Bhuj Accident: હાઈવે પર દોડતા ભારે વાહનો મોપેડ માટે સતત જીવલેણ સાબિત થઇ રહ્યા છે જિલ્લામાં આ પ્રમાણે અકસ્માતની ચાર દિવસમાં ત્રીજી ઘટના સામે આવી છે.ભુજમાં શનિવારે બપોરે આવી જ ઘટના ભુજની ભાગોળે માધાપર નળ સર્કલ પાસે બનવા પામી હતી જેમાં બાઈક સ્લીપ થયા બાદ ટ્રકના ટાયર ફરી વળતા અંજાર તાલુકાના ખંભરા ગામના દંપતીનું મોત(Bhuj Accident) થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

બાઈક સ્લીપ થતા દંપતી નીચે પટકાયા
મળતી માહિતી મુજબ અંજાર તાલુકાના ખંભરા ગામના 40 વર્ષીય મેઘજીભાઈ હરીલાલ વણકર અને તેમના પત્ની જ્યોતિબેન મેઘજી વણકર શનિવારે સાંજે પાંચ વાગ્યે બાઈક નંબર જીજે 12 ડીકે 7812 વાળું લઇ ભુજ આવતા હતા એ દરમિયાન નળ સર્કલ પાસે અચાનક બાઈક સ્લીપ થતા દંપતી નીચે પટકાયા હતા તેઓ કઈ સમજે તે પહેલા પાછળ આવી રહેલ ટ્રેઇલરની હડફેટે ચડ્યા હતા જેમાં ગંભીર ઈજાઓ પહોચી હતી.ઘટનાને પગલે આસપાસ લોકો દોડી આવ્યા હતા.

પરિવાર શોકમાં ગરકાવ
દંપતીનું મોત થતા તેમના મૃતદેહોને હાલ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રેલરચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માત અંગેનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.ત્યારે આ દંપતીના મોતના પગલે તેનો પરિવાર સંપૂર્ણ શોકમાં ગરકાવ થયો છે. પરિવારમાં ભારે આક્રન્દ છવાયું છે.

તંત્રની બેદરકારી હજુ કેટલાના ભોગ લેશે
જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યા બાદ મોટા ભાગના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે તેમજ પાણી ભરાઈ ગયા બાદ ઠેકઠેકાણે રેતીના ઢગલા જોવા મળે છે.જે વાહન ચાલકો માટે જોખમ રૂપ સાબિત થાય છે.

ખાસ કરીને દ્વીચક્રી તરત જ સ્લીપ થાય છે અને ભારે વાહનોની અવરજવર મોત સુધી દોરી જાય છે.તંત્રની બેદરકારી હજું કેટલા લોકોના જીવ લેશે તેવું લોકો કહી રહ્યા છે.ભુજ શહેરના માર્ગો પર પણ રેતીના ઢગલા જોવા મળે છે.તાકીદે સફાઈ થાય તે જરૂરી બન્યું છે.