મંદિરે ફૂલ વેચી બાઈક પર ઘરે પરત ફરી રહેલાં દંપતીને ડમ્પરચાલકે અડફેટે લેતાં પતિ-પત્નીનું મોત

Pardi Accident: દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વરસાદના કારણે રસ્તા પર પડેલા ભૂવામાં પાણી ભરાઈ જવાથી અકસ્માત સર્જાવાનો ભય રહે છે. જે ભય સાચો પડ્યો હોય તેમ આજે વલસાડ જિલ્લામાંથી પસાર થતા બલીઠા હાઈવે પર ગમખ્વાર અકસ્માત(Pardi Accident) સર્જાયો છે. જેમાં માંતેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પરે આગળ જતાં બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.

પુરપાટ ઝડપે આવતા ડમ્પરે ટક્કર મારી
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પારડી તાલુકાના ટુકવાડા ગામમાં રહેતા ભગુભાઈ નાયકા અને તેના પત્ની શકુંતલાબેન આજે વાપી શહેરમાં આવેલા સિદ્ધનાથ મહાદેવના મંદિર બહાર ફૂલ વેચવા માટે આવ્યા હતા. જ્યાંથી તેઓ પોતાની બાઈક પર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બલીઠા હાઈવે પર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હોવાથી ભગુભાઈ બાઈક ધીમે હંકારી રહ્યા હતા. આ સમયે પાછળથી પુરપાટ આવતા ડમ્પર ચાલકે ભગુભાઈની બાઈકને ટક્કર મારી હતી.

લોકોના ટોળા એકઠા થઈ ગયા
ડમ્પરની ટક્કરથી બાઈક પર સવાર ભગુભાઈ અને તેમના પત્ની શકુંતલાબેન ફંગોળાઈને નીચે પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા થતાથી બન્નેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. બીજી તરફ અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા
જ્યારે અકસ્માતની જાણ થતાં વાપી ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરીને બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

તેમજ આ દંપતીનું મોત થતા તેનો પરિવાર ભારે શોકમાં ગરકાવ થયો છે. ત્યારે એક વાત અહીં એ નથી સમજાતી કે ડમ્પર ચાલકના કારણે દરેક દિવસે નિર્દોષ લોકોના ભોગ લેવાય છે. ત્યારે હવે આ ડમ્પરચાલક ક્યારે સુધરશે.