બહેનના લગ્નમાં ડાન્સ કરી રહેલી યુવતી અચાનક ઢળી પડતાં મોત; જુઓ LIVE વિડીયો

Dance Viral Video: થોડા દિવસ અગાઉ જૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ તૈયાર થતી વખતે હાર્ટ એટેકથી મોત થયું હતુ, જેના પરિણામે લગ્નનો પ્રસંગ માતમમાં (Dance Viral Video) ફેરવાયો હતો. એવામાં આવો જ વધુ એક બનાવ મધ્ય પ્રદેશના વિદિશામાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવતી પોતાની બહેનના લગ્ન પ્રસંગે સ્ટેજ પર ડાન્સ કરતાં-કરતાં ઢળી પડી હતી. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કરી છે.

ડાન્સ કરતા કરતા યુવતીનું હૃદય બંધ પડી ગયું
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઈન્દોરમાં રહેતી પરિણીતા જૈન (22) તેના મામાની દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે વિદિશા આવી હતી. જ્યાં વિદિશાના રિસોર્ટમાં ભવ્ય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગઈકાલે રાતે સંગીત સંધ્યાના કાર્યક્રમ દરમિયાન પરિણીતા સ્ટેજ પર બૉલિવૂડ ફિલ્મ ‘મેરે યાર કી શાદી હૈ’ના ગીત શરારા…શરારા પર ડાન્સ કરતી હતી. આ દરમિયાન પરિણીતા અચાનક સ્ટેજ પર ફસડાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પરિણીતાનું હાર્ટ એટેકથી મોત
આથી પરિવારના અન્ય સભ્યો તાત્કાલિક પરિણીતાને પાસે દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને યુવતીને મૃત જાહેર કરી હતી. પરિણીતાનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

લગ્નનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
બીજી તરફ યુવતીના મોત બાદ લગ્નનો ખુશીનો પ્રસંગ માતમમાં પરિણમ્યો હતો. આજે લગ્ન થવાના હતા, પરંતુ યુવતીના મોતના કારણ શનિવારે જ લગ્નની તમામ વિધિ આટોપી લેવાઈ હતી.