વડોદરામાં ટ્રકચાલકે એક્ટિવાને હડફેટે લેતા યુવતીનું મોત; 10 વર્ષના વિઝા મળતા જવાની હતી અમેરિકા

VadodaraAccident: વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસે ટ્રકની અડફેટે મોપેડ પર જતી બે બહેનોને ઇજા થઇ હતી. જે પૈકી એક બહેનનું મોત થયું હતું. ત્યારે બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જે બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જો કે પોલીસે(VadodaraAccident) ટ્રકના ડ્રાઇવરની ધરપકડ કરી વાહન કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા બંને બહેનો રોડ પર ફંગોળાઇ
શહેર નજીકના અંકોડિયા ગામે રહેતા દિનેશભાઇ પટેલ ખેતી કામ કરે છે. તેમની દીકરી કેયા ધો.12 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સમા વિસ્તારમાં મામાના ઘરે પિતરાઇ ભાઇ બહેનો ભેગા થયા હતા. ત્યારબાદ પિતરાઇ ભાઇ બહેનો ખરીદી કરવા માટે નીકળ્યા હતા.

કારેલીબાગ પાણીની ટાંકી પાસે ખરીદી કરીને તેઓ મોપેડ પર પરત આવતા હતા. કેયા મોપેડ ચલાવતી હતી અને તેની પાછળ પિતરાઇ બહેન જાનસી બેઠી હતી. તેઓ પાણીની ટાંકી સર્કલથી અમિત નગર તરફ જતા હતા. તે દરમિયાન એક ટ્રક ચાલકે મોપેડને ટક્કર મારતા બંને બહેનો રોડ પર ફંગોળાઇ ગઇ હતી.

એક યુવતીનું ઘટનાસ્થળ પર જ મોત
કેયાની પિતરાઇ બહેનને ડાબા પગના પંજા તથા ઘુંટણ પર ઇજા થઇ હતી. જ્યારે કેયાને ગંભીર ઇજા થતા બેભાન થઇ ગઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. અકસ્માતના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ટ્રક ડ્રાઇવરને પકડી લીધો હતો. કારેલીબાગ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર હરેશ ગોહિલ ( રહે. દ્વારકા)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

અકસ્માતના CCTV સામે આવ્યા
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, આઇસર ચાલકે એક્ટિવા લઈને જઈ રહેલી વિદ્યાર્થિનીને કચડી નાખી હતી. ત્યારબાદ ત્યાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. મૃતક કેયા પટેલને તાજેતરમાં જ અમેરિકાના 10 વર્ષના વિઝા મળ્યા હતા અને તે 1 મહિનામાં જ અમેરિકા જવાની હતી. તાજેતરમાં જ તે વિઝાના કામ માટે દિલ્હી પણ ગઈ હતી. જોકે, ભગવાનને મંજુર નહિ હોય તેમ અમેરિકા જાય તે પહેલા જ અકસ્માતમાં તેને પોતાનો જીવ ગુમાવ્યો છે.