તીર્થધામ સારંગપુર ખાતે તૈયાર થયું પ્રમુખસ્વામી મહારાજનું ભવ્ય સ્મૃતિમંદિર- મહંતસ્વામીના હસ્તે સંપન્ન થઇ પ્રતિષ્ઠા

તીર્થધામ સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ શ્રીઅક્ષરપુરુષોત્તમ મંદિર અને શ્રીયજ્ઞપુરુષ સ્મૃતિમંદિરના બે ધ્રુવ વચ્ચે હવે ત્રીજું દિવ્ય પ્રેરણા સ્થાન ઉમેરાઈ રહ્યું છે……

તીર્થધામ સારંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ શ્રીઅક્ષરપુરુષોત્તમ મંદિર અને શ્રીયજ્ઞપુરુષ સ્મૃતિમંદિરના બે ધ્રુવ વચ્ચે હવે ત્રીજું દિવ્ય પ્રેરણા સ્થાન ઉમેરાઈ રહ્યું છે… બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર!

ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો. તારીખ ૧૩/૮/૨૦૧૬માં તેઓ અંતર્ધાન થયા.

તે પૂર્વે છેલ્લી અવસ્થામાં તેઓએ જ ઈચ્છા વ્યક્ત કરેલી કે, ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારા પર રહે અને મારી દ્રષ્ટિ ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે મારો અંતિમવિધિ થાય, તે પ્રમાણે જ તેઓના દિવ્યવિગ્રહનો અંતિમસંસ્કાર વિધિ કરાયો હતો. આજે એ જ સ્થળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી સ્મૃતિમંદિર આકાર લઈ ચુક્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેઓના આ યુગકાર્યને અંજલિ આપવા તેઓના સ્મૃતિમંદિરનું સ્થાપત્ય – સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરનો શિલાન્યાસ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮માં મહંતસ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિમંદિર બનીને તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્યશૈલી ધરાવતા આ મંદિરની લંબાઈ ૧૪૦ ફૂટ, પહોળાઈ ૧૪૦ ફૂટ અને ઊંચાઈ ૬૩ ફૂટ છે, જેમાં ૭,૮૩૯ પથ્થરોના સંયોજનથી ૧ ઘુમ્મટ, ૪ સામરણ અને ૧૬ ઘુમ્મટીઓ આવેલી છે.

આ સ્મૃતિમંદિરના કલામંડિત સ્તંભ, ઘુમ્મટ વગેરે ભગવાન સ્વામિનારાયણ તથા પ્રમુખસ્વામી મહારાજના સમકાલીન સંતો-ભક્તોની શિલ્પાકૃતિઓથી અલંકૃત છે. પોતાના પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આ કલામંડિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુર ખાતે વસંતપંચમીએ, તા.૨૬/૦૧/૨૦૨૩ના રોજ હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં કર્યો હતો.

આ મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ અક્ષર–પુરુષોત્તમ મહારાજ સાથે બિરાજમાન કરવામાં આવી છે. સવારે ૯:૩૦ વાગ્યે સદગુરુવર્ય સંત પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *