સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી સતત હત્યાની ચકચારી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ખૌફ ન હોય અને છૂટો દોર મળ્યો હોય તેમ એક પછી એક હત્યાના ગુનાઓને અંજામ આપતા ખચકાતા નથી. આ દરમિયાન, લિંબાયત વિસ્તારમાં પિતરાઈ ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. બીજી બાજુ, ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં લિંબાયત ક્રિષ્નાનગર વિભાગમાં રહેતા 42 વર્ષીય મોહનભાઇ લીમ્બાભાઇ ગીરાસે હમાલીકામ કરે છે. તેમના ભત્રીજા તુષાર ઉર્ફે સેન્ડીયોને જે યુવતી સાથે પ્રેમસંબંધ છે, તે યુવતી સાથે જીતુ દિલીપ પાટીલ પણ પ્રેમસંબંધ ધરાવે છે. આ મામલે તુષાર અને જીતુ વચ્ચે વિખવાદ ચાલતો હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત, અગાઉ પણ યુવતીને લઈને બંન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે લીંબાયત કૃષ્ણકુંજ સોસાયટી ગલી નં.2 પ્લોટ નં.138ની સામે તુષાર તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે જીતુ તેના મિત્રો સમાધાન ઉર્ફે દાદા, વિશાલ તથા આશુ સાથે બે બાઈક પર ત્યાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, જીતુ અને તેના મિત્રોએ તુષારને ‘તુને મેરે બાઇક કા પંચર ક્યું કીયા…’ કહી ગાળાગાળી કરી હતી. જીતુએ તુષારને ‘આજ તેરે કો ખતમ કર દેને કા હૈ…’ કહી ગાલ ઉપર એક તમાચો માર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેના પિતરાઈ ભાઈ રાજેન્દ્ર ઉર્ફે કમલેશ ઉર્ફે બંટી મોહનભાઇ ગીરાસે દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી અને ‘જીતુને મેરે ભાઇ કો ક્યુ મારા…’ કહ્યું. ત્યારે જીતુએ ‘યે સેન્ડીયા કા ભાઇ હૈ ઉસકો ભી ખતમ કર દો…’ કહી રાજેન્દ્રને જોરથી તમાચો માર્યો હતો.
ત્યારબાદ વિશાલ અને આશુએ રાજેન્દ્રને પકડી રાખી જીતુ તેમજ સમાધાન ઉર્ફે દાદાએ તેને ઢીકમુક્કીનો માર માર્યો હતો. બાદ જીતુએ તેને છાતીના ભાગે જોરથી ધક્કો મારી રોડ ઉપર ફેંકી દેતા રાજેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ જીતુ અને વિશાલ ચપ્પુ કાઢી તુષારને મારી નાંખવાનો પ્રયાસ કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા દોડી ગયેલી લીંબાયત પોલીસ દ્વારા મૃતક રાજેન્દ્રના પિતા મોહનભાઇ ગીરાસેની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.