અમરેલીના સુરગપરામાં રમતાં રમતાં દોઢ વર્ષની બાળકી 50 ફૂટ ઊંડે બોરવેલમાં પડી, રેસ્ક્યૂ માટે તંત્રનું મેગા ઓપરેશન શરૂ

Amreli Borewell Accident: અમરેલી જિલ્લાના સુરગપરા ગામમાં બોરવેલમાં બાળકી પડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુરગપરા ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી હતી. બનાવની જાણ થતાં 108ની ટીમ અને ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચી છે અને બાળકીને(Amreli Borewell Accident) બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસ, NDRF સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે, કલેકટર સહિતના સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળ પહોંચી રહ્યાં છે.

બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન
મળતી માહિતી અનુસાર, અમરેલીના સુરાગપુર ગામમાં ખેતમજૂરી કરતા એક પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં દોડધામ મચી ગઈ છે. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન છે.

કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ પર રાખવામાં આવી રહી છે નજર
ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 108 દ્વારા બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી શરૂ કરી છે. કેમેરાની મદદથી બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

રાજ્યમાં અગાઉ પણ બની છે આ પ્રકારની ઘટના
થોડા મહિના પહેલા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકી ફળિયામાં રમતી હતી.

તે અચાનક બોરવેલમાં પડતા સ્થાનિક લોક દોડી આવ્યા અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. બાળકીને કલાકોની જહેમત બાદ બોરવેલમાંથી કાઢવામાં આવી હતી, જે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.