આજે રાતે આકાશમાં દેખાશે ગુલાબી ચાંદ, જાણો ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે ‘પિન્ક મૂન’નો અદભૂત નજારો

Pink Moon: આ વરસે 12 એપ્રિલ 2025ના રોજ એક ખાસ રાત આવી રહી છે. આ દિવસે એપ્રિલ મહિનાની પ્રથમ પૂર્ણિમાને પિંક મૂન (Pink Moon) તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રની આ સુંદર ખગોળીય ઘટના જોવાની રીતે જ નહીં ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે પણ ખૂબ ખાસ છે.

શું હોય છે પિંક મૂન?
પિંક મૂન નામ સાંભળીને એવું લાગતું હોઈ કે આ દિવસે ચંદ્રમાં પિંક કલરનો જળક દેખાશે, પરંતુ એવું હોતું નથી. ચંદ્ર પિંક કે ગુલાબી રંગનો નથી હોતો. પિંક મૂન નામ ઉત્તર અમેરિકા સાથે જોડાયેલું છે. ત્યાં એપ્રિલના શરૂઆતમાં ખાસ પ્રકારના જંગલી પિંક ફૂલો (મોસ ફ્લોક્સ) ઉગે છે અને આ જ સમયગાળામાં પૂર્ણિમા આવે છે એટલે લોકો આ ચાંદને પિંક મૂન કહેવા લાગ્યા.

પિંક મુન ક્યારે જોવા મળશે?
તારીખ: શનિવાર, 12 એપ્રિલ 2025
સમય (ભારતીય સમય મુજબ): રવિવાર, 13 એપ્રિલ, સવારે 5:52 વાગ્યે

આ દરમ્યાન ચંદ્રમા સંપૂર્ણ રીતે પ્રકાશમાન થઈ જાય છે અને આખા આકાશને ચાંદનીથી ઉજળો બનાવી દે છે. 2025નો આ પિંક મૂન એક માઇક્રોમૂન હશે. એટલે કે આ વર્ષની સૌથી નાની પૂર્ણિમા. આ દિવસે ચંદ્ર પૃથ્વીથી લગભગ 4,04,500 કિમી દૂર હશે. પરિણામે ચંદ્રમાં સામાન્ય પૂર્ણિમાની તુલનાએ લગભગ 14% નાનો અને 30% ઓછો તેજસ્વી દેખાશે. જો કે આ તફાવતને સામાન્ય નજરથી જોવું થોડું મુશ્કેલ હોય છે, છતાં આ ઘટના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાય છે.

પિંક મૂન માત્ર ખગોળીય રીતે જ ખાસ નથી પણ અનેક સંસ્કૃતિઓમાં તેનો આધ્યાત્મિક અર્થ પણ છે. ઘણાં ધર્મોમાં આ પૂર્ણિમા નવજીવન, આશા અને નવી શરૂઆતનું પ્રતિક છે. ક્રિશ્ચિયન ધર્મમાં આ ચાંદને Paschal Moon કહે છે. ઈસ્ટરની તારીખ પણ આ પૂર્ણિમા પર આધાર રાખીને નક્કી થાય છે. એ રીતે આ રાત ધાર્મિક ઉત્સવો માટે પણ ખૂબ મહત્વ ધરાવે છે.