થોડા સમય પહેલા જ ગુજરાતના મોરબીમાં બનેલી ઘટનાએ ગુજરાત ધ્રુજાવી દીધું હતું. ત્યારે આજરોજ ગાંધીનગરમાં બાળકોથી ભરેલી સ્કૂલ વાનને પુરપાટ ઝડપે આવી રહેલી બસે જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાળકોથી ભરેલી સ્કૂલ વાન પલટી ગઈ હતી. થોડીવારમાં બાળકોની બુમા બુમ સંભળાવવા લાગી હતી.
રોજબરોજ અકસ્માતમાં સેકંડો લોકો ઘાયલ થઈ રહ્યા છે, સાથે અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બાળકોને શાળાએ લઈને જતી સ્કૂલ વાનને એક ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર લાગતા જ સ્કૂલવાન પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં 10 બાળકોને નાની મોટી ઇજાઓ થઈ છે, સાથે જ એક બાળકને ગંભીર ઇજાઓ થતા અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, વહેલી સવારે આખો રોડ ખાલી હોવા છતાં માતેલા સાંઢની જેમ બસની ટક્કર લાગતા સ્કૂલવાન પલટી ગઈ હતી. અકસ્માત થતા જ બાળકોની ચિચિયારીઓથી ગાંધીનગર ગુંજી ઉઠ્યું હતું. જાણવા મળ્યું છે કે, આ સ્કૂલ વનમાં 12 બાળકો સવાર હતા જેમાંથી 10 બાળકોને શરીરે નાની મોટી ઇજાઓ થઈ છે. આ તમામ બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
View this post on Instagram
સમાચાર મળતા જ વાલીઓ હોસ્પિટલ દોડીયા…
અકસ્માત સર્જાતા જ રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને બાળકોને સ્કૂલ વાનમાંથી બહાર કાઢ્યા હતા. રાહદારીઓએ તાત્કાલિક બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્ત થયેલા બાળકોની સારવાર ચાલી રહી છે. માહિતી મળતા જ બાળકોના પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતા.
હાલ પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આવી અનેક સ્કૂલવાન પલટી છે. ગાંધીનગરમાં જ ઓવરલોડ બાળકોને ભરીને દોડતી સ્કૂલવાન સામે ગાંધીનગર તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક સ્કૂલ વાનમાં ઘેટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.