કાનપુરમાં સર્જાયો ભયંકર અકસ્માત: કારમાં સવાર ચાર બાળકો સહીત 5 ના મોત

Kanpur Accident: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં 14મી ઓક્ટોબર સવારે ડમ્પર, અલ્ટો કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે (Kanpur Accident) જ મૃત્યુ નિપજ્યા હતા. કાનપુર-ઇટાવા એલિવેટેડ હાઇવે પર આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

કારના પતરા કાપી મૃતદેહ બહાર કાઢ્યા
અહેવાલો અનુસરા, કાનપુર-ઈટાવા એલિવેટેડ હાઈવે પર આગળ ચાલતા ખાલી ડમ્પરે અચાનક બ્રેક મારી હતી અને પાછળ આવતી અલ્ટો કાર તેની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે કારની પાછળ આવતી સળિયાઓ ભરેલી ટ્રકે ટક્કર મારી હતી.

કાર બે વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી, જેમાં બે વિદ્યાર્થી, બે વિદ્યાર્થિનીઓ અને ડ્રાઈવર સહિત પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારના પતરા કાપીને મૃતદેહને બહાર કાઢ્યા હતા.

ડમ્પર અને ટ્રકના ચાલક ફરાર
આ ઘટના બાદ ડમ્પર અને ટ્રકના ચાલકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ એલિવેટેડ હાઈવે પર લગભગ 22 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અઢી કલાકની મહેનત પછી વાહનો હટાવીને જામ હટાવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલા ડીસીપી વેસ્ટ રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે, ‘ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’

કારના ટુકડા થઈ ગયા
કેસની માહિતી આપતા DCP પશ્ચિમ રાજેશ કુમાર સિંહે કહ્યું કે કાનપુર-દિલ્હી હાઈવે પર સચેંદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અકસ્માત થયો હતો. પાછળથી હંકારી રહેલી કારને ટ્રકે એટલી જોરથી ટક્કર મારી હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં બી.ટેકના પ્રથમ વર્ષના કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી આયુષી પટેલ, ચોથા વર્ષના વિદ્યાર્થી પ્રતીક સિંહ, ચોથા વર્ષના વિદ્યાર્થી સતીશ અને ત્રીજા વર્ષની વિદ્યાર્થીની ગરિમા ત્રિપાઠીનો સમાવેશ થાય છે. અકસ્માત અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.