સુરતના ઓલપાડમાં કાર ચાલકે અઢી વર્ષની બાળકીને અડફેટે લેતા મોત

Surat Accident: સુરત શહેરમાં ફરી એક વખત ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. જ્યાં ઘરની બહાર રમતી બાળકી પર કાર ફરી વળતાં તેનું કરૂણ મોત (Surat Accident) નીપજ્યું છે. ઘટનાને પગલે બાળકીના પરિવારે કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ છે.

એક કારચાલકે બાળકીને અડફેટે લીધી
બેદરકારીપૂર્વક વાહન હંકારવાને લીધે વધુ એક વખત નિર્દોષ બાળકીનું મોત થયું છે. સુરતના ઓલપાડના અટોદરા ગામની આ ઘટના છે. જ્યાં સોસાયટીમાં ઘરની બહાર એક માસૂમ બાળકી રમી રહી હતી. ત્યારે જ એક કારચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેણે બાળકીને અડફેટે લીધી હતી.

અઢી વર્ષની બાળકીનું મોત
કારની અડફેટે બાળકીને માથા પર ગંભીર ઈજા થતાં મોત થયું છે. બાળકીના પરિવારે કારચાલક અરવિંદ વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આંગણે રમતી અઢી વર્ષની બાળકીનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

સીસીટીવીમાં કેદ થઇ ઘટના
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે કારચાલકે રમી રહેલી બાળકીને અડફેટે લીધી હતી. જે જોતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. કંપારી છૂટી જાય તેવી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.હાલ આ મામલે ઓલપાડ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.