રશિયાના સાઈબેરિયા પ્રાંતની એક ખાણમાંથી અમૂલ્ય ગણાતા અને ૮૦ કરોડ વર્ષ કરતા વધારે જૂના ગણાતા હીરામાંથી હીરો મળ્યો છે. રશિયન ખાણ કંપની અલરોસા પીજેએસસીના ખોદકામ દરમિયાન આ અમૂલ્ય ગણાતો હીરો મળી આવ્યો હતો. આ હીરોને રશિયાની પરંપરાગત બેબી ડોલી મૈટ્રિઓશકા જેવો છે, મૈટ્રિઓશકાની અંદર મોટી ઢીંગલીની અંદર નાની ઢીંગલી હોય છે. મૈટ્રિઓશકા હીરાનું વજન ૦.૬૨ કેરેટ છે અને તેની અંદરના હીરાનું વજન ૦.૦૨ કેરેટ છે. અલરોસાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જિયોલોજિકલ એન્ટપ્રાઈસના ડિરેક્ટર ઓલેગ કોવલચુકે જણાવ્યું કે જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી વિશ્વના હીરા ઇતિહાસમાં અત્યાર સુધી આવો હીરો મળ્યો નથી. આ હીરોની શોધ કુદરતની એક અનોખી રચના છે. કંપનીએ કહ્યું કે આ હીરો ૮૦ કરોડ વર્ષ જુનો હોઈ શકે છે. અલરોસાના પ્રવક્તાએ જણાવ્યું કે કંપનીએ આ હીરોની વધારે તપાસ અર્થે તેને જિમોલોજિકલ ઈન્સ્ટિટયૂટ ઓફ અમેરિકા ખાતે મોકલી આપ્યો છે.
હીરો સાઈબીરિયા ક્ષેત્ર યકુશિયાના નયૂરબા ખાણમાંથી નીકળ્યો હતો પરંતુ તેને યાકુસ્તક ડાયમંડ ટ્રેડ એન્ટરપ્રાઈસે તેના પાસા પાડયાં હતા. સંશોધકોએ એક્સ રે માઈક્રોટોમોગ્રાફીની સાથે સ્પેક્ટ્રોસ્કોપની અલગ અલગ રીતોનો ઉપયોગ કરીને આ કિંમતી પથ્થરની તપાસ કરી હતી. આ હીરોના અભ્યાસના તારણોને આધારે હીરો કેવી રીતે રચાયો હશે તેની સંશોધકોએ કલ્પના કરી છે. સંશોધકોએ કહ્યું કે શરૂઆતમાં અંદરનો હીરો બન્યો હશે અને તેની ઉપર બીજો હીરો વિકસ્યો હોઈ શકે છે. અંદર અને બહારના હીરોની વચ્ચે રહેલી એર સ્પેસની શોધ પણ સંશોધકોને રસપ્રદ લાગી છે. મૈટ્રિઓશકામાં જે રીતે ઢીંગલીની અંદર ઢીંગલી હોય છે તેવી રીતે રીતે એક હીરાની અંદર બીજો હીરો રચાયો હશે.