દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમકથા- જેણે પોતાના 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી!

Bharuch Divyang couple love story: ભરૂચનું એવું દંપતી જેણે પોતાના 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી થવા દીધી નથી. પ્રેમનો(Bharuch Divyang couple love story) આમ તો કોઈ દિવસ હોતો નથી.છતાં આજનો દિવસ પ્રેમના દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આ દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે.

બંનેનાં પ્રેમલગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે
ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે.વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. બંનેનાં પ્રેમલગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખો છે. પોતાના જીવન અને લગ્ન વિશે વાત કરતા મનુભાઈ પ્રજાપતિ જણાવે છે કે, હું મૂળ જંબુસર તાલુકાના છેવાડાના ગામ કાવીનો વતની છું. હું જન્મથી વિકલાંગ ન હતો. પરંતુ પોલિયોની રસી લીધી અને રિએક્શન આવતા હું બંને પગે અપંગ થઈ ગયો છતાં મેં હિંમત હારી નહીં. પ્રાથમિક અને હાઈસ્કૂલનો અભ્યાસ કાવીમાં જ કર્યો. મારો પહેલાથી ધ્યેય એવો હતો કે સરકારી નોકરી કરીશ. મેં ઘણી બધી પરીક્ષાઓ આપી છે. છેવટે જીઈબીમાં પરીક્ષા આપી પાસ થઈ ગયો અને અત્યારે હું દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છું અને અકાઉન્ટનું કામ કરું છું.

વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબધ ટકે
આજે પ્રેમના દિવસ એવા વેલેન્ટાઈન ડે ના દિવસે દિવ્યાંગ દંપતી મનુભાઈ અને ભારતી બેને એક બીજાને ગુલાબ આપી તેમજ કેક કટીંગ કરી એક બીજાને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી અને પ્રેમના દિવસની ઉજવણી કરી હતી. આજનો યુવાનોને સંદેશ આપતાં બંનેએ જણાવ્યુ હતું કે, જ્યારે વિશ્વાસ હોય ત્યારે જ કોઈ પણ સંબધ ટકે છે. એટલે શારીરીક ખુબી કે ખામી જોવાના બદલે એકબીજાનાં વિચારો જાણી લો.જો તમને એકબીજાના વિચારો ગમશે તો તમે લાંબો સમય સુધી સાથે રહી શકશો.

બાકી શારીરીક આકર્ષણ અને 5જીના જમાનામાં જેટલો વહેલો પ્રેમ શરુ થાય છે એટલો જ વહેલો પુરો પણ થઈ જશે. હાલમાં વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટની પોસ્ટ મેળવી એકાઉન્ટની કામગીરી સંભાળે છે અને ભારતી બેન પોતાનો સંગીત પ્રત્યેનો શોખ પૂરો કરી પોતાના 2 સંતાનો સાથે ખુશાલ જિંદગી જીવી લોકોને પ્રેમ સાચો અર્થ અને કઠિન પરિસ્થિતિનો સામનો કરી પરિશ્રમથી આગળ વધવા માટેની પ્રેરણા પૂરું પાડી રહ્યા છે.

દિવ્યાંગ વ્યક્તિને સમાજમાંથી છોકરી મળવી મુશ્કેલ હોય છે
પોતાના લગ્ન વિશે વાત કરતાં મનુભાઈ જણાવે છે કે, સરકારી નોકરી મળ્યા બાદ હું પગભર થઈ ગયો હતો. એટલે મને લાગ્યું કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ. પણ દિવ્યાંગ વ્યક્તિને સમાજમાંથી છોકરી મળવી મુશ્કેલ હોય છે. એટલે મેં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓમાં જોઈ સારા પાત્રની શોધ કરી. 12 થી 15 છોકરી જોય હશે જેમાં કેટલીક છોકરીઓએ મને રિજેક્ટ કર્યો તો કેટલીક છોકરીઓની હા હતી, પણ મને તેમની સાથે લગ્ન કરવા યોગ્ય લાગતા નહોતાં એટલે મેં લગ્ન કરવાની ના કહી… છેલ્લે મારી વાત ભારતી સાથે થઈ. અમને બંનેને એકબીજાના વિચારો બહુ ગમ્યા. જ્યારે ભારતીએ મારા લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો ત્યારે મને એમ થયું કે, સુખી લગ્ન જીવન માટે પતિ-પત્નીનાં એકબીજાના વિચારો મળવા ખૂબ જરૂરી છે.