Temple in Gujarat: આસ્થાનું એક અનોખું કેન્દ્ર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે, જ્યાં માનતા પૂર્ણ થતાં લોકો અહીં પોતાના પરિવાર (Temple in Gujarat) સાથે આવી પાણી ચડાવે છે. ગુજરાતમાં કદાચ એકમાત્ર આ આસ્થાનું કેન્દ્ર હોવાનું મનાઈ રહ્યું છે, જ્યાં માત્ર પાણી ચડવાથી લોકોનાં ધાર્યાં કામ પૂર્ણ થાય છે.
માનતા પૂરી કરવા અહીં ગાડીઓ ભરી ભરીને પાણીની બોટલો ચડાવે છે
મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર પર રોડની સાઈડમાં પાણીની બોટલોનો ઢગલો જોતાં લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે કે આ પાણીની બોટલોનો એટલો મોટો ઢગલો, આખરે અહીં કેમ! મહેસાણાના મોઢેરાથી થોડે નજીક હાઇવે પર એક ફાર્મ હાઉસની સામે આ નાનકડું મંદિર આવેલું છે, જ્યાં પાણીની બોટલો અને પાઉચ ચડાવવામાં આવી રહ્યાં છે. દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવી જાય છે.
લોકો પોતાની બાધાઓ રાખી અહીં પાણી ચડાવવા આવે છે
8 વર્ષ પહેલાં મોઢેરા પાસે આવેલા મણિનગર ગામથી થોડે દૂર એક ફાર્મ હાઉસની સામે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં અકસ્માતમાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જેમાં બે બાળકો પણ હતાં. અકસ્માત બાદ આ બંને બાળકો પાણી માટે બૂમો પાડી રહ્યાં હતાં. ત્યાર બાદ બંનેનાં મોત નીપજ્યાં હતાં. એ બાદ અહીં આજ દિન સુધી લોકો પોતાની બાધાઓ રાખી પાણી ચડાવવા આવે છે.
આ માટે અહીં ચડાવવામાં આવે છે પાણી
21 મે 2013ની વહેલી સવારે 9 કલાકે મોઢેરાથી આગળ આવેલા એક ફાર્મ હાઉસની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત રિક્ષા અને ગાડી વચ્ચે થયો હતો. એમાં રિક્ષામાં સવાર યુવાનો લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોમાંથી 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં બે દશ વર્ષનાં નાનાં બાળકો પણ હતાં. એ અકસ્માત સમયે તેઓ પાણી માટે તરસી રહ્યાં હતાં અને ત્યાં તેમનાં મોત નીપજ્યાં હતાં.
8 વર્ષ પહેલાં અકસ્માતના પ્રત્યક્ષદર્શી હજુ પણ ત્યાં ચોકી કરે છે
8 વર્ષ પહેલાં થયેલા અકસ્માત બાદ અહીં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ફાર્મ હાઉસમાં ચોકી કરતા દરબાર મેતુભા બચુભા સોલંકીએ ભાસ્કરને જણાવ્યું હતું કે 21 મે 2013માં સવારે અકસ્માત મારી સામે જ થયો હતો, જ્યાં મેં જ રિક્ષામાંથી લોકોને બહાર નીકળ્યા હતા. ત્યાં બે દસ વર્ષનાં બાળકો અકસ્માત બાદ પાણી માટે તરસી રહ્યાં હતાં. એ બાદમાં બંનેનાં મોત થયાં હતાં. ત્યારથી લોકો અહીં બાળકોને દેવ સમજી પૂજા-અર્ચના કરે છે અને પોતાની માનતાઓ પણ રાખે છે.
દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે
સ્થાનિક મંદિરની દેખરેખ રાખનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, લોકો પોતાનાં ધાર્યાં કામ થયાં બાદ અહીં આવે છે. અહીં પથરી, એપેન્ડિક્સ તથા અન્ય રોગોથી પીડાતા લોકો હોસ્પિટલના ધક્કા ખાધા બાદ અહીં માનતા રાખે છે. ત્યાર બાદ તેમની માનતા સફળ થતાં દૂર દૂરથી તેઓ પાણીની બોટલો ચડાવવા અહીં પહોંચે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App