નર્મદા મૈયા બ્રિજ પર બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું કમકમાટી ભર્યું મોત

Bharuch Accident: ભરૂચ નજીક નર્મદાનદી પરના નર્મદા મૈયા બ્રીજ પરથી પુરઝડપે એસ.ટી.બસો અવરજવર કરી રહી છે. જેના પગલે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે ગતરોજના એક કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી હતી.જેમાં એક એસ.ટી.બસનો અકસ્માત(Bharuch Accident) મોટર સાયકલ સાથે થતા બાઈક પર સવાર તબલાવાદક યુવાનનું ગંભીર ઈજાના પગલે તેનુ સ્થળ પર કરૂણ મોત નિપજયુ હતુ.જેના કારણે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

યુવકનું ઘટનાસ્થળ પર જ મોત
અંકલેશ્વર ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં તબલાવાદક યુવાનનું મોત થયું હતું. મૃતક તબલાવાદન માટે અંકલેશ્વર જઇ રહયો હતો તે સમયે તેની બાઇકને રીક્ષાની ટકકર વાગતાં તે રોડ પર પટકાયો હતો દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસના પૈંડા તેના પર ફરી વળ્યાં હતાં. આશાસ્પદ યુવાન શકિતનાથ વિસ્તારમાં આવેલી આનંદનગર સોસાયટીનો રહેવાસી હતો.

અકસ્માત બાદ એસટી બસનો ડ્રાઇવર બસ લઇને ફરાર થઇ ગયો હતો. ભરૂચની આનંદનગર સોસાયટીમાં રહેતો નિખિલ જયદીપ સોલંકી તબલાવાદન કરે છે.ત્યારે આ ઘટનાના પગલે રસ્તા પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું જે બાદ આ અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો.જે બાદ અકસ્માતની નોંધ લઇ લાશને પીએમ અર્થે મોકલી હતી.

એસટી બસનો ચાલક બસ લઇને ભાગી છુટયો
બુધવારના રોજ તે તબલાવાદન માટે ભરૂચથી અંકલેશ્વર તરફ જઇ રહયો હતો. બપોરના 3 વાગ્યાના અરસામાં તે બાઇક લઇને ઘરેથી અંકલેશ્વર જવા માટે નીકળ્યો હતો. તે બાઇક લઇને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઇ રહયો હતો તે સમયે રીક્ષાની ઓવરટેક કરવા જતાં તેની બાઇક રીક્ષા સાથે અથડાઇ હતી. રીક્ષા સાથે ટકરાયા બાદ બેકાબુ બનેલી બાઇક સ્લીપ થતાં તે રોડ પર પટકાયો હતો. આ સમયે પાછળથી આવી રહેલી એસટી બસના પૈડા તેના માથા પર ફરી વળતાં તેનું સ્થળ પર જ કરૂણ મોત થયું હતું. અકસ્માત બાદ એસટી બસનો ચાલક બસ લઇને ભાગી છુટયો હતો. આશાસ્પદ યુવાનના મોતને પગલે ગમગીની છવાઇ છે.

પરિવારમાં ભારે આક્રન્દ
ઘટનાની જાણ થતાં જ તેના પરિવારજનોના ટોળા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં.આ યુવકના પિતા ડ્રાયવિંગ કરે છે માતા હાઉસ વાઈફ છે અને તેનો એક ભાઈ અને એક બહેન હોવાનું જણવા મળ્યું છે. ત્યારે યુવાન પુત્ર અને ભાઈના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.જોકે અત્રે ઉલ્લેખનીય છે કે,અકસ્માત સર્જાયા બાદ એસટી બસનો ચાલકે તેની બસ ઉભી રાખવાની તસ્દી પણ ન લીધી હતી.જેના પર લોકો ફિટકાર વરસાવી હતી.