રેમલ વાવાઝોડાને કારણે મણિપુર બન્યું જળમગ્ન; હજારો લોકોનું ખોરવાયું જીવન, સામે આવ્યાં તબાહીના દ્રશ્યો

Floods in Manipur: રેમલ વાવાઝોડાને કારણે ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, આસામ અને મેઘાલયમાં તબાહીના દ્રશ્યો છે. મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરથી હજારો લોકો પ્રભાવિત થયા છે. એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ઈમ્ફાલ નદીના વહેણને (Floods in Manipur) કારણે ઘણા વિસ્તારોમાં પૂર આવી ગયું છે અને સેંકડો ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આ પછી વિસ્તારના લોકોએ કોમ્યુનિટી હોલમાં આશરો લીધો છે.

અધિકારીઓએ જણાવ્યું કે નમબુલ નદીમાં પૂર આવવાને કારણે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ખુમાન લમ્પક, નાગારમ, સગોલબંદ, ઉરીપોક, કેસમથોંગ અને પાઓના વિસ્તારો સહિત ઓછામાં ઓછા 86 વિસ્તારોમાં પૂરની માહિતી મળી હતી. અવિરત વરસાદને કારણે, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કેરાંગ, ખાબમ અને લારિયાંગબમ લેઇકાઇ વિસ્તારો પાસે ઇમ્ફાલ નદીના કાંઠા તૂટી ગયા છે અને ઘણા વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા છે, સેંકડો ઘરો ડૂબી ગયા છે.

NDRF બચાવ માટે ઈમ્ફાલ પહોંચી ગયું છે
ટીમના એક અધિકારીએ જણાવ્યું કે, “ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના હેનગાંગ અને ખુરાઈ વિધાનસભા ક્ષેત્રના ઘણા વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે, ઘણા વિસ્તારોમાં પૂરના પાણી છાતી સુધી પહોંચી ગયા છે.”

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) ની એક ટીમ બચાવ કામગીરીનું નેતૃત્વ કરવા માટે લગભગ 10 વાગ્યે એરફોર્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ઇમ્ફાલ પહોંચી હતી.

શું કહ્યું મુખ્યમંત્રીએ?
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે જણાવ્યું હતું કે, “કેટલાક વિસ્તારોમાં નદીપરના ડેમ તૂત્તવના પાણી આવતા નાગરિકો અને પ્રાણીઓને અસર થઈ છે. રાજ્ય સરકારના અધિકારીઓ, સુરક્ષા અને NDRFના જવાનો અને સ્થાનિક સ્વયંસેવકો સહિત તમામ સંબંધિત સત્તાવાળાઓ અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે. ” ફસાયેલા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમ્ફાલ અને સિલચરને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 37 પરનો ઇરાંગ બેલી બ્રિજ તૂટી પડ્યો હતો, જેના કારણે માર્ગ સંપર્ક ખોરવાયો હતો.

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે 38 લોકોના મોત થયા છે
એજન્સી અનુસાર, ચક્રવાત રામલને કારણે ઉત્તર-પૂર્વના લગભગ તમામ રાજ્યો પ્રભાવિત થયા છે. તેના કારણે ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોમાં માર્ગ અને રેલ સંચાર પર પણ વિપરીત અસર પડી છે. ચાર રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 38 નાગરિકોના મોત થયા છે.

મિઝોરમમાં 29, નાગાલેન્ડમાં 4, આસામમાં 3 અને મેઘાલયમાં 2 નાગરિકોના મોત થયાના અહેવાલ છે. આપને જણાવી દઈએ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આઈઝોલમાં મેલ્થમ અને હિલીમેન વચ્ચેની ખાણ સ્થળ પરથી અત્યાર સુધીમાં 25 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. જિલ્લાના સાલેમ, આઈબક, લુંગસેઈ, કેલ્હીસ અને ફાલ્કનમાં ભૂસ્ખલનને કારણે છ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ છે.