આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના ગુંટૂરમાં રવિવારે એક 22 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે કાકાણી રોડ પર ચાલી રહી હતી. તે જ સમયે એક યુવક તેની પાસે બાઇક પર આવ્યો અને તેને સાથે જવાનું કહેવા લાગ્યો હતો. જ્યારે તેણે ના પાડી ત્યારે તેણે દલીલ કરવાનું શરૂ કર્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ સમય દરમિયાન આરોપી શશી કૃષ્ણાએ યુવતીના ગળા અને પેટ પર છરી વડે હુમલો કર્યો હતો. તેને પેટ અને ગળામાં અનેક વખત ઘા માર્યા બાદ તે ભાગી ગયો હતો. લોકોએ લોહીમાં લથપથ યુવતીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. ત્યાં તેનું મૃત્યુ થયું હતું. રાજ્યના ડીજીપી ગૌતમ સવાંગે જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લોકોની મદદથી અને સીસીટીવી વીડિયો દ્વારા આરોપીની ઓળખ થઈહતી. આ કેસમાં છોકરીના માતા -પિતા અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સાથે જ તેમણે અધિકારીઓને તેમના પરિવારની સંભાળ રાખવા પણ કહ્યું છે. તે જ સમયે, ગૃહમંત્રી એમ. સુચરિતા પણ હોસ્પિટલ પહોંચી, જ્યાં પીડિતાને લાવવામાં આવી હતી. તેમણે આરોપી વિશે કહ્યું હતું કે, આવા રાક્ષસો માટે માત્ર ફાંસીની સજા હોવી જોઈએ.
તેલુગુદેશમ પાર્ટીના મહાસચિવ નારા લોકેશે કહ્યું હતું કે, આ ઘટના ત્યારે બની જ્યારે મુખ્યમંત્રી તેમના સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન મહિલાઓની સુરક્ષા વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, છેલ્લા અઢી વર્ષમાં મહિલાઓ પર અત્યાચારના એક પણ કેસમાં ન્યાય થયો નથી. આ સાથે જ જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે કહ્યું હતું કે, એન્જિનિયરિંગના વિદ્યાર્થીની હત્યા દુ:ખદ છે. મહિલાઓ પર આવા હુમલા રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. તે મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.