પતંગની કાતિલ દોરીએ યુવકનો લીધો ભોગ; ઉત્તરાયણ પહેલા દોરીથી કપાયું ગળું

Surat Chinese cord: હજુ તો ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. કીમ રેલ્વે ઓવરબ્રીજ પર આ ઘટના બની હતી કે જ્યાં પતિ-પત્ની બાઈક પર ઘરે (Surat Chinese cord) જઈ રહ્યા હતા તે દરમ્યાન પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું.

કાતિલ દોરીએ લીધો ભોગ
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદાગામ ખાતે રહેતા શૈલેષભાઈ છીડીયાભાઈ વસાવા (ઉ.40) પરિવાર સાથે રહેતા હતા. ગતરોજ તેઓ પત્ની સાથે બાઈક પર સાયણથી પોતાના ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમથી કીમ ચોકડી તરફ જતા કીમ રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થતા હતા. ત્યારે પતંગનો દોરો અચાનક શૈલેષભાઈના ગળાના ભાગે વાગી આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈજા થઇ હતી.

સારવારમાં થયું મોત
ગળાના ભાગે ગંભીર ઈજા થતા શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું. તેઓને સૌ પ્રથમ કીમ સ્થિત હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત નીપજ્યું હતું. શૈલેષભાઈના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ડોકટરે આપી પ્રતિક્રિયા
આ અંગે ડોકટરે જણાવ્યું હતું કે, કીમ ઓવરબ્રીજ પર દંપતી બાઈક પર પસાર થતું હતું. ત્યારે દોર વડે ગળું કપાઈ ગયું હતું. તેઓ ગંભીર હાલતમાં હતા. જેથી પ્રાથમિક સારવાર આપીને અમારી જ એમ્બ્યુલન્સમાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. તેઓનું ગળું કવર થઇ જાય એવી મોટી ઈજા થઇ હતી.