રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડ નજીક બંધ ટેન્કરની પાછળ સ્કૂટર ઘૂસી જતાં એક યુવકનું કમકમાટીભર્યું મોત

Rajkot Accident: રાજકોટ શહેરમાં સમયાંતરે અકસ્માતોના બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં વધુ એક અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં જૂના માર્કેટ યાર્ડ (Rajkot Accident) નજીક બંધ ટેન્કર પાછળ ધડાકાભેર સ્કૂટર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા સ્કૂટર ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં અવતા પોલીસનો કાફલો ઘટસ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માતની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી બાજુ અકસ્માતના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.

માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત
રાજકોટ શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે બંધ ટેન્કર સાથે સ્કૂટર અથડાતાં ગેરેજ સંચાલકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા પ્રદીપભાઇ રાજેન્દ્રભાઇ પ્રજાપતિ (ઉ.27) તેનું સ્કૂટર લઇને જતો હતો ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે બંધ ટેન્કર સાથે અથડાતાં તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી.

મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો
બનાવને પગલે જાણ થતા 108ની ટીમે પહોંચી યુવકને મૃત જાહેર કરતાં બી.ડિવિઝન પોલીસ મથકના જમાદાર હિતેશભાઇ જોગડા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવક બે ભાઇ એક બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું પરિવારે જણાવ્યું હતું.

પોલીસની વધુ પૂછતાછમાં પ્રદીપ માંડાડુંગર પાસે ગેરેજ ચલાવતો હોય કામ કરી ઘેર જતો હતો ત્યારે આ બનાવ બન્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.