શિક્ષણ મુદ્દે ‘આપ’ની મોટી ગેરેંટી: ગુજરાતના મોટા 8 શહેરોમાં દર 4 કિલોમીટરે બનાવશે શાનદાર સરકારી શાળા

અમદાવાદ(Ahmedabad): દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodiya) આજે ગુજરાત(Gujarat) પધાર્યા છે. આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudaan Gadhvi) અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ…

અમદાવાદ(Ahmedabad): દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodiya) આજે ગુજરાત(Gujarat) પધાર્યા છે. આમ આદમી પાર્ટી(AAP)ના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudaan Gadhvi) અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મનીષ સિસોદિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર મનીષ સિસોદિયાએ મીડિયા મિત્રો સાથે વાત કરતા જણાવ્યું કે, હું વારંવાર ગુજરાત આવું છું તો મારી અંદર વધુને વધુ સંકલ્પ પેદા થાય છે કે મારે ગુજરાતની શાળાઓ માટે કામ કરવાનું છે. ગુજરાતના દરેક બાળકો માટે સારામાં સારી શાળાઓ હોવી જોઈએ.

ગુજરાતના લોકોને અને ખાસ કરીને બાળકોના વાલીઓને આશા જાગી છે કે દિલ્હીમાં દરેક બાળકો માટે શાનદાર સ્કૂલો છે તો ગુજરાતમાં પણ હોવી જોઈએ અને એ 5 વર્ષમાં થઈ શકે છે. ભાજપે 27 વર્ષમાં શિક્ષણ મુદ્દે કંઈ નથી કર્યું. આજે ગુજરાતના લોકો શિક્ષણના મુદ્દે વોટ આપવા માટે તૈયાર છે અને એટલા માટે જ ભાજપના લોકો CBI અને ED નો દુરુપયોગ કરીને મને ગુજરાત આવવાથી રોકવા માંગે છે. પરંતુ સચ્ચાઈમાં તાકાત હોય છે અને અંતમાં સચ્ચાઈ જ જીતશે.

ભાજપના બધા ષડયંત્રો નાકામ થશે અને ગુજરાતમાં પણ આ વખતે એવી સરકાર બનશે, જે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ગુજરાતની દરેક સ્કૂલોને શાનદાર બનાવશે અને દરેક બાળકને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપશે. ભાજપ જે રીતે ED અને CBI નો દુરુપયોગ કરી રહી છે એ વાત કોઈનાથી છૂપી નથી, અને છેલ્લા બે મહિનાથી મારા ઘરમાં રેડ પાડી બધી તપાસ કરી, બેંકના લોકર તપાસ્યા, ગામડે જઈને મારી તપાસ કરી ત્યાં પણ કશું નથી મળ્યું છતાં પણ મને ગિરફતાર કરવાની તૈયારી ચાલી રહી છે, મારા વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટથી નીકળ્યા બાદ મનીષ સિસોદિયા પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, હું વાલીઓને મળ્યો છું, હું શાળાઓમાં બાળકોને મળ્યો છું, હું શિક્ષકને મળ્યો છું, હું સામાન્ય જનતાને મળ્યો છું. દરેક જગ્યાએ મને એક જ વાત સાંભળવા મળી છે કે જે રીતે દિલ્હીમાં શાળાઓ સારી થઈ છે તેવી રીતે ગુજરાતમાં પણ શાળાઓને સારી કરવાની જરૂર છે. ગુજરાતમાં શાળાઓની હાલત ઘણી જ ખરાબ છે. વાલીઓએ, શિક્ષકોએ પણ મને કહ્યું છે કે, શાળાની હાલત ઘણી જ ખરાબ છે. જે લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવે છે તે લોકો એટલા માટે દુઃખી છે કે પ્રાઇવેટ શાળાઓ દર વર્ષે ફીમાં વધારો કરે છે,

અને જે લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે છે તેઓ દુઃખી છે કે સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે. મેં દરેક જગ્યાએ લોકોને કહ્યું છે કે જે રીતે દિલ્હીમાં શાળાઓ સારી થઈ ગઈ, દિલ્હીના લોકોએ મોકો આપ્યો અને આજે દિલ્હીની બધી જ શાળાઓ સંપૂર્ણ રીતે સારી થઈ ગઈ છે. તમામ શાળાઓ શાનદાર બની છે, તેવી જ રીતે ગુજરાતની શાળાઓ પણ શાનદાર બની શકે છે. હું આજે વિનંતી કરવા આવ્યો છું કે, અરવિંદ કેજરીવાલની રાજનીતિને એક મોકો આપો અને 5 વર્ષમાં તમામ શાળાઓ શાનદાર થઈ જશે.

પ્રાઇવેટ શાળાઓની ફીમાં વધારો નહીં થાય એની અમે ગેરંટી આપીએ છીએ, જેવી રીતે દિલ્હીમાં તેને વધવા નથી દીધી. દિલ્હી સરકાર એકમાત્ર એવી સરકાર છે જેણે શાળાઓ પાસેથી ચૂકવેલી ફી પરત કરાવી છે. અમારી સરકાર આવી તે પહેલા ફી વધારો હતો. જેને અમે દિલ્હીમાં સરકાર બન્યા પછી અમે તેને પાછી અપાવી. સરકારી શાળાઓ માટે જેટલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કર્યું, સારા પરિણામો આવ્યા, ગુજરાતમાં દરેક બાળક માટે શાનદાર શાળાની વ્યવસ્થા થઇ શકે છે.

અમે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે. અમે ગુજરાતની દરેક શાળાનું મેપિંગ કરાવ્યું છે. પ્રાઇવેટ શાળાની, સરકારી શાળાનું મેપીંગ કરાવ્યું છે. તેનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો છે કે, કેવી રીતે કેટલી શાળાઓને કેટલા સમયમાં સારી કરી શકાય અને બીજું શું-શું કરવાની જરૂર છે. આપણે જોયું છે કે ગુજરાતના 44 લાખ બાળકો પ્રાઇવેટ શાળાઓમાં ભણે છે. એ સૌનાં વાલીઓ ફરિયાદ કરે છે કે જો આ પ્રાઇવેટ શાળાઓને લૂંટે છે તો સરકાર બનતાની સાથે જ આ લૂંટને બંધ કરવામાં આવશે. મન મરજીથી કોઈપણ પ્રાઇવેટ શાળા ફી નહીં વધારી શકે.

સરકારનું બજેટ અમે જોયું. સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરતી નથી, શિક્ષકો નથી. વિદ્યા સહાયકની નિમણૂક નથી કરવામાં આવી, TATની પરીક્ષાઓ લેવાઇ નથી. કેજરીવાલ પહેલા ગેરંટી આપી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 1 વર્ષની અંદર અંદર નવેમ્બર સુધીમાં આ તમામ ભરતી પૂર્ણ કરવામાં આવશે. TATની પરીક્ષા લેવામાં આવશે. ડિપાર્ટમેન્ટમાં એક પણ વિદ્યા સહાયકની પોસ્ટની જગ્યા ખાલી રહેશે નહીં.

મનીષ સિસોદિયાએ આજે ​​જાહેર કરતા કહ્યું કે, ગુજરાતના તમામ મોટા શહેરોમાં ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ છે, સરકારી શાળાઓ પણ છે, પરંતુ સરકારી શાળાઓમાં કોઈ પણ વાલી પોતાનાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થતાં જોઈ શકતા નથી. એટલા માટે આજે હું એ જાહેર કરું છું કે, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ આ આઠ શહેરોમાં દર 4 કિલોમીટરે એક શાનદાર સરકારી શાળાનું નિર્માણ કરવામાં આવશે જે પ્રાઇવેટ શાળા કરતાં પણ વધારે સારી હશે. એક વર્ષની અંદર આ આઠ શહેરોમાં દર 4 કિમીની અંદર એક સરકારી શાળા ઉભી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *