ગુજરાતના આ જીલ્લામાં આવેલ શિવજીના મંદિરમાં અદ્રશ્ય જળ ધારા કરે છે શિવલિંગનો અભિષેક

Sapteshwar Shivji Mandir: ઉત્તર દિશાના ગણાતા સાતેય ઋષિઓએ જો કોઈ એક જ સ્થળે રહીને તપોસાધના કરી હોય એવા સ્થળો ખૂબ ઓછા જોવા મળે છે. આવું જ એક સ્થળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલું છે. જ્યાં સાત ઋષિઓએ સાધના કરી જગ્યાને તપોભૂમિ બનાવી હતી. આ જગ્યાએ શિવલિંગ પર હજારો વર્ષોથી કુદરતી રીતે જળધારા થઈ રહી છે. તેનું રહસ્ય પણ અકબંધ છે. આ જગ્યા સપ્તેશ્વર નામથી ઓળખવામાં આવે છે. અહીં સાત મહર્ષિઓએ(Sapteshwar Shivji Mandir) તપ સાધના કરી હતી. અહીં છેલ્લા 3600 વર્ષોથી શિવજી પર જળાભિષેક થઈ રહ્યો છે.

સપ્ત ઋષિઓએ કર્યું છે અહીં તપ
આ જગ્યા ઇડરમાં ડેભોલ અને સાબરમતી નદીના સંગમસ્થળે આવેલી છે. અહીં સાત શિવલિંગ આવેલા છે. શિવજી અલગ અલગ સ્વરૂપે સાત જગ્યાએ શિવલિંગ રૂપે બિરાજમાન છે. તેની વિશેષતા એવી છે કે, આ સાતેય શિવલિંગની ગોઠવણી સપ્તર્ષિ તારાજૂથના આકાર જેવી છે.15મી સદીમાં કશ્યપ, અત્રિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, જમદગ્નિ અને ગૌતમ ઋષિએ આ જગ્યાએ તપશ્ચર્યા કરી હતી અને આ ભૂમિને પાવન કરી હતી. તો પુરાણોમાં જણાવ્યા પ્રમાણે, સાતેય ઋષિઓએ એક સાથે, એક જ સ્થળે હાજર રહીને તપસ્યા કરી હોય તેવા પ્રસંગ બહુ ઓછા છે.

અદ્રશ્ય જળ ધારા શિવલિંગનો કરે છે અભિષેક
અહીંના પવિત્ર જળનું આચમન કરવાથી દૈહિક રોગોથી મુક્તિ મળે છે, તેવી માન્યતા પણ છે. શિવજીનું પ્રક્ષાલન કરીને નીકળતી જળ ધારાની પૂજા કરવામાં આવે છે. તો આ કુદરતી જળધારા ક્યાંથી નીકળે છે તે માટે ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશને અહીંની મુલાકાત લઈને તપાસ કરી હતી. પરંતુ કમિશન પણ નથી શોધી શક્યું કે, આ જળધારા ક્યાંથી આવે છે. રમણીય સાબરમતી અને ડેભોલ નદીના સંગમસ્થળે આ તપોભૂમિ આવેલી છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે આ જગ્યા ધાર્મિક સ્થાનની સાથે સાથે એક પિકનિક સ્પોટ પણ બની ગયું છે.

મંદિર નજીક કુંડ પણ આવેલો છે
આમ તો, અહીં આવતા દર્શનાર્થીઓ અને ભક્તો આ પાણી આવતું જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ઢીંચણ સુધી આ જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને ભક્તો તેમાંથી પસાર થઈને મહાદેવના દર્શને પહોંચે છે. આ ઉપરાંત અહીં એક કુંડ પણ આવેલો છે તેમાં પણ અવિરત પાણી વહ્યા કરે છે. આ કુંડ કદી છલકાતો નથી. આ ઉપરાંત વિવિધ પ્રકારની વિધિ સહિત લૌકિક ક્રિયા પણ આ સંગમસ્થાને કરવામાં આવે છે. આમ તો અહીં ચોમાસા દરમિયાન ભગવાન પર જાણે સાબરમતી નદી અભિષેક કરતી હોય તેવું નજરે પડે છે. કારણ કે, અહીં નદીનો પ્રવાહ એટલો હોય છે કે, સમગ્ર મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે.

ચોમાસા દરમિયાન ભક્તોને શિવજીના દર્શનનો લાભ મળતો નથી.આ જગ્યાએ શ્રાવણ મહિના સહિત શિવરાત્રિ અને સમગ્ર વર્ષ દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સાબરમતી નદી ભોળાનાથને પોતાનામાં સમાવી લે તે દૃશ્ય જોવા માટે પણ લોકોની ભીડ ઉમટી પડે છે. સપ્તર્ષિ ઋષિઓ સાથે સંકળાયેલા શિવલિંગના દર્શન, પૂજન અને અર્ચન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.