Surat ACB Trap: ખબર નહીં આ લાંચિયા ક્યારે સુધરશે…કારણકે ગુજરાતમાં જાણે કે લાંચ વગર કોઈ કામ થતું જ ના હોય તેવા કિસ્સાઓ દિવસેને દિવસે જોવા મળે છે. ત્યારે આજે ફરી એકવાર ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) સુરત શહેર ટ્રાફિક વિભાગના એએસઆઈ(Surat ACB Trap ) અને વચેટિયાને એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે. એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી ફરિયાદના આધારે છટકું ગોઠવી એ.એસ.આઈ વિજયભાઈ રમણભાઈ ચૌધરી અને વચેટિયા સંજય દિનકરભાઈ પાટીલને રંગે હાથ પકડયા છે.
ACBને માહિતી મળતા છટકું ગોઠવ્યું
ACBને સુરત શહેરના એક રહીશે ટ્રાફિક પોલીસની કનડગત અને લાંચની ફરિયાદ કરી હતી. સુરત શહેર ખાતે ટેમ્પો એસોસીએશન ચલાવતા હોદ્દેદારે એસીબીના અધિકારીની રૂબરુ મુલાકાત કરી ત્યારે તેમને કરાતી હેરાનગતિની વિગતવાર રજૂઆત અને પ્રતિ ટેમ્પો દીઠ માસિક 1 હજાર રૂપિયાની લાંચ માગવાની ફરિયાદ કરી હતી. એસીબી અધિકારીએ લાંચની ફરિયાદ આધારે સુરતના ઉધના વિસ્તારમાં ઉદ્યોગનગર ખાતે આવેલા પાર્શ્વ શોપીંગ સેન્ટર ખાતે એક છટકું ગોઠવ્યું હતું.
ACBએ રંગે હાથ ઝડપી પાડ્યો
સુરત ખાતે રહેતો સંજય પાટીલ ફરિયાદીના 100 ટેમ્પો પેટે મહિનાના 1 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચી ગયો હતો. સંજય પાટીલે એક લાખ રૂપિયાની લાંચ સ્વીકાર્યા બાદ સુરત શહેર ટ્રાફિક વિભાગમાં રિજિયન-2, સેમી સર્કલ-14 ખાતે નોકરી કરતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વિજય રમણભાઇ ચૌધરીને ફોન કરી લાંચની રકમ મળી ગઈ હોવાની જાણ કરી હતી. દરમિયાનમાં એસીબીની એક ટીમે સંજય પાટીલને ઝડપી લઈ લાંચની રકમ કબજે લીધી હતી.
એએસઆઈ વિજય ચૌધરી પણ ઝડપાયો
સંજય પાટીલ લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપાઈ જતાં ACBની અન્ય ટીમે સુરત કમલા દરવાજા ખાતે ફરજ પર તૈનાત એએસઆઈ વિજય ચૌધરીને ઝડપી લીધા હતા. સંજય પાટીલ ASI વિજય ચૌધરી વતી લાંચ અને હપ્તાની રકમ ઉઘરાવતો હતો.
એસીબીની ટીમે લાંચ કેસના બંને આરોપીઓ પાસેથી એક-એક મોબાઇલ ફોન કબજે લીધા છે. લાંચ કેસમાં ઝડપાયેલા એએસઆઈ વિજય ચૌધરી છેલ્લાં 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને છેલ્લાં 5 વર્ષથી રિજિયન-2માં નોકરી કરી રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App