પીએમ આવાસ યોજના અંતર્ગત સહાયની રકમ અપાવવાનું કમિશન માંગતા બે ને ACB એ રંગે હાથે ઝડપ્યા

PM Awas Yojana: મહીસાગર જિલ્લામાં બે લાંચિયા એસીબીના હાથે ઝડપાયા છે. આ બે લાંચિયાઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ (PM Awas Yojana) લેતા હતા ત્યારે એસીબીએ બનેને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓએ યોજનાના લાભાર્થી પાસેથી હપ્તાની ટકાવારી પેટે 22,500 રૂપિયાની લાંચની માગણી કરી હતી.

લાંચિયાઓએ લાંચની માંગ કરી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આરોપીઓમાં દિગ્વીજયસિંહ અભેસિંહ પુવાર (ઉંમર 54, રહે. દધાલીયા) અને અરવિંદ ભુરાભાઇ વાગડીયા (ઉંમર 45, રહે. ઠાકોરના નાધરા) બંને કડાણા તાલુકાના રહેવાસી છે.ફરિયાદીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થયું હતું.

તેમના બેંક એકાઉન્ટમાં પ્રથમ અને બીજો હપ્તો જમા થયા બાદ આરોપી દિગ્વીજયસિંહે 22,500 રૂપિયાની માગણી કરી હતી. ત્યારબાદ બીજા આરોપી અરવિંદ સાથે વાતચીત કરતા તેમણે 20 હજાર રૂપિયા આપવા જણાવ્યું હતું.

એસીબીએ લાંચિયાની ધરપકડ કરી
જો કે આ બાદ ફરિયાદીએ મહીસાગર ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવ્યું હતું. ACB દ્વારા મલેકપુર ચોકડી પાસે ગૌરી કિરાણા સ્ટોર આગળથી આજરોજ આરોપી દિગ્વીજયસિંહે પંચની હાજરીમાં 20 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. બંને આરોપીઓને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.