જયપુરમાં ભયાનક અકસ્માત: કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં 2 મહિલાઓના દર્દનાક મોત, 6 ઘાયલ

Jaipur accident: રાજસ્થાનના જયપુર જિલ્લા નજીક ચાકસુના દત્તવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. લાલસોટ રોડ પર તુર્કી (Jaipur accident) નજીક એક હાઇ સ્પીડ કાર અને કાંકરી ભરેલા ડમ્પર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ત્યારે આ અકસ્માતમાં બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ જયપુર રિફર કરવામાં આવ્યા છે.

2 મહિલાઓના મોત
આ અકસ્માત બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ થયો હતો. કારમાં કુલ દસ લોકો હતા, જે બધા લાલસોટના તલાવ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની માહિતી મળતા જ દત્તવાસ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને ચાક્ષુ સેટેલાઇટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અહીં ડોક્ટરોએ બે મહિલાઓને મૃત જાહેર કરી, જ્યારે છ ગંભીર રીતે ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ જયપુર રિફર કરવામાં આવ્યા છે. અન્ય બે લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી અને સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.

બે વાહનો સામ સામે ટકરાયા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી અને સામેથી આવી રહેલા કાંકરી ભરેલા ડમ્પર સાથે સામસામે અથડાઈ ગઈ. અકસ્માત બાદ બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે. શરૂઆતની તપાસમાં, ઝડપી ગતિ અને અંધારામાં દૃશ્યતાનો અભાવ કારણો તરીકે માનવામાં આવી રહ્યો છે.