ગોંડલ જસદણ હાઇવે પર મંદિરે જતાં પરિવારને નડ્યો અકસ્માત; એકનો એક દીકરો ગુમાવતાં માતા-પિતાનું હૈયાફાટ રુદન

Gondal Jasdan Highway Accident: ગોંડલ શહેરમાં રોજ નાના મોટા અકસ્માતમાં લોકોના મોત થઇ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે  ગોંડલ જસદણ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામના પૂર્વ સરપંચના પુત્રનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મૃતકના પરિવારના(Gondal Jasdan Highway Accident) સભ્યો હૈયાફાટ રુદન કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર  ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામના પૂર્વ સરપંચનો પુત્ર હાર્દિક આસોદરિયા આજે વહેલી સવારે પોતાના ઘરેથી ખારચિયા ગામે સુરાપુરાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો. ત્યારે ગોંડલ જસદણ હાઇવે પર આવેલા રામોદ અને નાનામાંડવા વચ્ચે આઇસર અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાર્દિકની અલ્ટો કાર ટોટલ લોશ થઈ જવા પામી હતી અને આઇસર પલ્ટી મારી ગયું હતું.

કારચાલક હાર્દિક આસોદરિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને ગોંડલની 108 એમ્બ્યુલન્સ પાયલોટ પ્રતાપભાઈ અને ઈએમટી કાનજીભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટનાની તપાસ કોટડા સાંગાણી પોલીસે હાથ ધરી છે.

ચાર બહેનોએ એક નવાઈનો ભાઈ ગુમાવ્યો  
ગોંડલ તાલુકાના ખાંડાધારના પૂર્વ સરપંચ ચંદુભાઈ આસોદરિયાના એકના એક પુત્ર હાર્દિક ચંદુભાઈ આસોદરિયાનું અકસ્માતમાં મોત નીપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતક હાર્દિક 28 વર્ષનો હતો અને તેણે બી.કોમ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ગોંડલમાં કારખાનું ધરાવતો હતો અને પરિવારમાં માતા-પિતા અને ચાર બહેનોમાં સૌથી નાનો હતો. અકસ્માતની જાણ થતાં જ પરિવાર, સગા-સ્નેહીઓ મિત્રો સહિત ગ્રામજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.