ઇગોરાળા રોડ પર રિક્ષા અને બાઈક વચ્ચે ટક્કર થતાં એક બાળકી સહિત 3નાં મોત, એક ઘાયલ

Lathi Accident: લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા વચ્ચે ગત મોડી રાત્રે છકડા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ઇજા (Lathi Accident) પહોંચી હતી. મૃતકોમાં બે પુરૂષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. મૃતકોની ડેડબોડીને દામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાલ ધરી છે.

3 લોકોના આ અકસ્માતમાં થયા મોત
પ્રાપ્ત માહિતી અનુસાર લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે છકડા અને બાઇક વચ્ચે ધડાકાભેર જોરદાર ટક્કર સર્જાઇ હતી. લીલીયા નજીક આવેલા ખારા ગામનો દેવીપુજક પરિવાર જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.25) દિનેશભાઈ મનુભાઇ વાઘેલા (ઉ.વ.33) અને દિનેશભાઈની બે વર્ષની પુત્રી રાજલ ત્રણ સવારી બાઇકને દામનગર જવા નીકળ્યા હતા.

આ દરમિયાન સામેથી આવી રહેલા છકડા સાથે ટક્કર સર્જાતા એક જ પરિવારના ત્રણેય સભ્યોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પરિવાર શોકમાં ગરકાવ
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની ડેડબોડીને પી.એમ. અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આ ઘટના અંગે મ્રુતકના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા જાણે કે તે લોકો પર તો આભ ફાટી પડ્યું હોય તેવા રુદન કરતા દ્રશ્યો સામે આવ્યા છે.