ભાવનગર-સોમનાથ હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એકનું મોત, 3 ઈજાગ્રસ્ત

Somnath Highway Accident: અમરેલીમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે પર રાજુલાના (Somnath Highway Accident) હિંડોરણા બ્રિજ પાસે ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માતની ઘટના બનવા પામી. આ ગંભીર અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું અને જ્યારે અન્ય 3 લોકો ગંભીરપણે ઘાયલ થયા. પોલીસે અકસ્માતને પગલે વધુ તપાસ હાથ ધરી.

અકસ્માતમાં 1નું મોત, 3 ઘાયલ
મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર પસાર થતી કાર રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઘુસી ગઈ. કારની સ્પીડ એટલી બધી હતી કે રોડ પર ઉભેલ ટ્રક સાથે અથડાતા જ એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું.

કારમાં સવાર લોકો સુત્રાપાડા લગ્ન પ્રસંગમાંથી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વડિયા ગામ ઘરે જતા હતા. દરમિયાન ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરથી પસાર થતા રાજુલાના હિંડોરણા બ્રિજ પાસે પાર્કિંગ કરેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત થયું હતું અને 3 વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી હતી.

મૃતદેહ ફસાઈ જતા ક્રેન બોલાવી પડી
સોમનાથ નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થયા હતા. જો કે નેશનલ હાઈવે હોવાથી વધુ પ્રમાણમાં વાહનોની અવર-જવર પણ હતી. કેટલાક લોકોએ પોતાના વાહન રોકી અકસ્માતમાં ઇજા પામેલા લોકોની મદદ કરવા પ્રયાસ કર્યો. દરમિયાન આ ગંભીર અકસ્માતની પોલીસને જાણ કરવામાં આવી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે પંહોચી. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતક કાર અને ટ્રકની વચ્ચે ફસાઈ જતા ક્રેનની મદદથી લાશ બહાર કાઢવામાં આવી. પોલીસે મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. જ્યારે સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા.

આડેધડ પાર્કિંગ કરનાર ટ્રક ચાલકો સામે ફરિયાદ
નેશનલ હાઈવે પર સર્જાયેલ આ અકસ્માતને પગલે લોકોમાં ફરિયાદ ઉઠી હતી કે નેશનલ હાઇવે ઉપર ટ્રક ચાલકો આડેધડ વાહનનું પાર્કિંગ કરે છે. સામાન્ય રીતે નેશનલ હાઈવે પર ફોર વ્હીલરની સ્પીડ વધુ હોય છે ત્યારે હાઇવે ઉપર આ રીતે આડેધડ પાર્કિંગ કરવામાં આવેલ વાહન પર જલ્દી ધ્યાન જતું નથી. હાઇવે ઉપર પાર્કિંગ કરતા ટ્રક ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.