જામનગરમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં સર્જાયો ગંભીર અકસ્માત; એક યુવકનું મોત, 3 ઘાયલ

Jamnagar Accident: જામનગર નજીક ઠેબા ગામ પાસે ગઈકાલે રાત્રે 1.30 વાગ્યે મોટી માટલીથી જામનગર તરફ આવી રહેલી એક વેન્ટો કાર બેકાબૂ બનીને પલટી (Jamnagar Accident) મારી ગઈ હતી, અને કારનું પડીકું વળી ગયું હતું, જેમાં બેઠેલા એક યુવાનનું અંતરીયાળ મૃત્યુ નીપજ્યું હતું, જયારે કાર ચાલક સહિત અન્ય ત્રણ યુવાનો ઘાયલ થયા હતા. જે ત્રણેયને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી એક યુવાનની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો દોડતો થયો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો
આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, જામનગરના નુરી પાર્ક વિસ્તારમાં રહેતા ચાર યુવાનો ગત મોડી રાત્રે, જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટી માટલી ગામ પાસે આવેલી એક હોટલમાં નાસ્તો કરવા માટે જી.જે.10- ડી.ઇ. 7940 નંબરની વેન્ટો કાર માં બેસી ને ગયા હતા, અને ત્યાંથી નાસ્તો કરીને આશરે દોઢેક વાગ્યે જામનગર પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન કારના ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો, અને કાર ગુલાંટ મારીને પડીકું વળી ગઈ હતી.

18 વર્ષના યુવાનનું મોત
જે ગમખ્વાર અકસ્માતમાં કારની અંદર બેઠેલા જામનગરમાં નુરી પાર્ક વિસ્તારમાં રહેતા અયાન રફીકભાઇ ખફી નામના 18 વર્ષના યુવાનનું ગંભીર ઈજા થઈ હોવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જેથી ભારે માતમ છવાયો હતો. આ ઉપરાંત કારમાં બેઠેલા આઇમાન ઝામી (આરબ) નામના યુવાનને પણ ગંભીર ઈજા થઈ હોવાથી તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

પરિવારમાં ગમગીની છવાઈ
આ વેન્ટો કારમાં બેઠેલા હમદ ઝામી તથા કારના ચાલક ફૈઝલ યફાઇને પણ ઇજા થઇ હતી. જે બન્ને યુવાનોને પણ ગામના સ્થાનિક રહેવાસીઓ દ્વારા સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને બંનેને પણ ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સારવાર અપાઈ રહી છે.

આ બનાવની જાણ થતાં આરબ સમાજના અગ્રણીઓ તેમજ કાલાવડ નાકા બહાર રહેતા કેટલાક યુવાનો સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ત્યારે ભારે ગમગીની છવાઈ હતી. પંચકોષી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફને જાણ થતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઇ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરી છે.