ગુજરાત(Gujarat): સવાર સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ(Ahmedabad) બગોદરા ધોળકા રોડ(Bagodra Dholka Road) પર ગોઝારો અકસ્માત(Accident) સર્જાયો હતો. બગોદરા નજીક આવેલ રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નીપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. તો 9 જેટલા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને પરત ફરતા સમયે કાળનો કોળીયો બન્યા હતા.
આપણને સૌને ખબર છે કે, ઠંડીના વાતાવરણમાં ઘુમ્મસ હોય છે. તેમાં પણ મોડી સાંજથી લઈને વહેલી સવારે રસ્તા પર મોટા પ્રમાણમાં ભારે ધુમ્મસ જોવા મળે છે. જેની સીધે સીધી અસર વાહનચાલકો પર થતી હોય છે. ત્યારે આવામાં અકસ્માતોના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઈ રહેલા તૂફાન ગાડીને ભારે ધુમ્મસને કારણે ટ્રક દેખાઈ ન હતી. જેને કારણે તૂફાન ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી ખતરનાક અને જોરદાર હતી કે, ગોઝારો અકસ્માત સર્જાય ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના કરુણ મોત થયા છે.
9 થી વધુ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બગોદરામાં પ્રાથમિક સારવાર પછી અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તો ઘાયલ મુસાફરોને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની જુડોની મેચ રમવા માટે ગોધરા ગયા હતા. ગોધરાથી પરત ફરતા સમયે તૂફાન ગાડીને જોરદાર અકસ્માત નડ્યો હતો અને ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.