ભાવનગર-સોમનાથ હાઈવે પર સર્જાયો ખૌફનાક અકસ્માત; ડમ્પરમાં ખાનગી બસ ઘૂસી જતા 6ના મોત

Bhavnagar Accident: ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે વહેલી સવારે મોટા અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. અહીં ત્રાપજ પાસે હાઈવે પર ખાનગી લક્ઝરી બસ (Bhavnagar Accident) અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પરમાં ધડાકાભેર ઘૂસી લક્ઝરી બસ
મળતી માહિતી પ્રમાણે ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી. આ સમયે હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 20થી વધારે લોક ઈજાગ્રસ્ત
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા છે.

અડધી લક્ઝરી બસના ભુક્કા બોલાયા
ત્રાપજ પાસે હાઈવે પર સાઈડમાં ઊભેલા ડમ્પરમાં ધડાકાભેર લક્ઝરી બસ ઘૂસી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અડધી લક્ઝરી બસના ભુક્કા બોલાયા હતા. લક્ઝરી બસનો કચ્ચરગાણ નીકળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુરતથી રાજુલા જઈ રહેલી બસ એપલ ટ્રાવેલ્સની બસ છે.

બસના પતરા કાપી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ. અર્થે ખસેડ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.