રાધનપુર હાઇવે પર STની અડફેટે આવેલી રિક્ષાનો કચ્ચરઘાણ, 6નાં મોત; જુઓ રુંવાડા ઊભાં કરી દેતાં દૃશ્યો

Radhanpur Highway Accident: સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં 6થી વધુ (Radhanpur Highway Accident) લોકોના મોત થયાનું સામે આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ, હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રીક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે.

6 શ્રદ્ધાળુઓના મોત થતા હાઇવે મરણચીસોથી ગુંજ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 6 શ્રદ્ધાળુઓના મોત નીપજયા છે. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.

બસના ચાલકે ઓવરટેઈકની લ્હાયમાં અકસ્માત સર્જ્યો હોવાનો દાવો
તો બીજી તરફ અકસ્માતની જાણ થતાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તમામ મૃતકો રાધનપુરના વાદી વસાહતના હોવાનું જાણવા મળ્યું છે. એસટી બસના ચાલકે ઓવરટેઈકની લ્હાયમાં અકસ્માત સર્જ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મૃતકના પરિવારને સહાય ચૂકવવા માગ કરી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે પ્રયાસ કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.