રાજકોટમાં ૧૨ કલાકમાં એક જ પરિવારના ૫ સભ્યનાં મોત થયાં છે. ગઈકાલે શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડિયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝિયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીકયા હતા, જેમાં નાઝિયા અને તેના મામા નઝીરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ પતિ ઈમરાન પઠાણે બે બાળકો સાથે અગ્નિસ્નાન કરી લેતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં આજે ત્રણેયનાં કરુણ મોત નીપજ્યાં છે. આમ એક જ પરિવારના ૫ સભ્યનાં મોત થતાં હોબાળો મચી ગયો છે.
ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો, આથી બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલતો હતો, પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે એ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ વાત ના લીધે ખૂનીખેલ ખેલાયો હતો.
ઈમરાનની પત્નીએ ૧૮૧ અભયમને બોલાવી હતી. તેનો ખાર રાખી બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો. હત્યારા ઈમરાન પઠાણનાં સાસુ ફિરોજાબેન મુરમદભાઈ ફરિયાદી બન્યાં છે. પોલીસ દ્વારા ફિરોજાબેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાઝિયા પઠાણે ૧૮૧ ટીમને ફોન કર્યો હતો એટલે ટીમ દોડી આવી હતી. બાદમાં નાઝિયા, તેના મામા નઝીર અને સાસુ ફિરોજાબેનને મહિલા પોલીસ સ્ટેશન બોલવવામાં આવ્યાં હતાં. મહિલા પોલીસ સ્ટેશનથી બધાં નીકળ્યાં ત્યારે પાછળથી ઈમરાને છરી વડે હુમલો કરી દીધો હતો.
રાજકોટ ઝોન ૨ ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ હતી. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જોકે કોર્ટ દ્વારા સમાધાન થતાં પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઇમરાને હુમલો કરીને પોતાની પત્ની, તેના મામા અને સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં પત્ની અને મામાનાં મોત થયાં હતાં, જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
૧૮૧ નો સ્ટાફ નાઝિયા સહિતના લોકોને લઇને મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ઇમરાન બાઇક લઇને ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન ગયો હતો. પતિ ઇમરાન સતત મારકૂટ કરી પરેશાન કરતો હોવાની નાઝિયા ફરિયાદ કરતી હતી, જ્યારે ઇમરાને મહિલા પોલીસ સમક્ષ કહ્યું હતું કે બાળકોની કસ્ટડી અંગેનો કોર્ટમાં કેસ ચાલે છે.
મહિલા પોલીસે ઇમરાન અને નાઝિયા બંનેનું કાઉન્સેલિંગ કર્યું હતું, બંને પક્ષ વચ્ચે પોલીસની હાજરીમાં લાંબો સમય ચર્ચા થઇ હતી અને ઇમરાન પોતે વકીલને લઇને આવે છે તેમ કહી પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો હતો અને ગેટ પાસે ઊભો રહ્યો હતો. ઇમરાન ઘરેથી જ છરી લઇને પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે તેની સાથે વાતચીત કરી હતી, આમ છતાં એકપણ પોલીસે ઇમરાનની છાનબીન કરવાની તસ્દી નહીં લેતાં બંને હત્યા થઈ ગઇ.
ઇમરાને પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પત્ની નાઝિયા અને મામાજી સસરા નઝીરની હત્યા કરી બંને બાળકોને સાસુ પાસેથી છીનવી બાઇક પર થોરાળામાં પોતાના ઘરે જવા નીકળ્યો હતો, પોતે કૈસરે હિંદ પુલ પાસે પહોંચ્યો ત્યારે ચાલુ બાઇકે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પુલ નીચે ફેંકી દીધી હતી. છરી કબજે કરવા પોલીસની ટીમ કૈસરે હિંદ પુલ નીચે તપાસમાં દોડી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle