નર્મદા બાદ મોરબીના મચ્છુ ડેમ પાસેની નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો પાણીમાં ડૂબ્યા

Morbi Machchhu Dam News: નર્મદા નદીમાં સાત લોકો ડૂબ્યાને હજી 24 કલાક જ થયા છે ત્યારે વધુ એક ગોઝારી ઘટના સામે આવી છે. 6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં( Morbi Machchhu Dam News) નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

વોટર પાર્કમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા
મળતી માહિતી પ્રમાણે, નદીમાં પગ લપસી જતા પહેલા એક યુવક તણાયો હતો જેને બચાવવા જતા અન્ય સગીરો પણ તેની પાછળ ગયા હતા અને તે લોકો ડૂબવા લાગ્યા હતા. આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડે સ્થાનિકોની મદદથી ચાર સગીરને બચાવી લેવાયા હતા. જ્યારે ત્રણ લોકો પાણીમાં ગૂમ છે. ફાયર બ્રિગેડની ટીમે અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે. આ લોકો વોટર પાર્કમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. પરંતુ આ લોકો નદીમાં નાહવા પડ્યા હતા. ત્યારે આ કિસ્સો વાલીઓ માટે પણ ચેતવણીરૂપ બન્યો છે.

કુલ 7 જેટલા યુવાન અને સગીર નાહવા આવ્યા હતા
આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી વિગત મુજબ મચ્છુ 3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 3 તરુણ ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે. તેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે, જ્યારે અન્ય મળતી વિગત મુજબ પ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચવા જતાં બે સગીરા પણ ડૂબ્યા હતા. અહીં કુલ 7 જેટલા યુવાન અને સગીર નાહવા આવ્યા હતા. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી અને અન્ય ચાર યુવાન બચી ગયાનું જાણવા મળી રહ્યું છે.

પાણીમાં ડૂબી ગયેલાની યાદી
પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભૂપેન્દ્રભાઈ (16 વર્ષ), ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ) આ યુવકો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યું છે.

નદીમાં નાહવા પડેલાની યાદી
ભંખોડિયા આર્યન ભરતભાઈ (16 વર્ષ), ભંખોડિયા જય ગૌતમભાઈ (16 વર્ષ), ભંખોડિયા પ્રીતમ અશ્વિનભાઈ (17 વર્ષ), બોચિયા જૈમિન ખીમજીભાઈ (16 વર્ષ) તેમની સાથે નાહવા ગયા હતા, જેઓ બહાર નીકળી ગયા હતા. સ્વિમિંગ પૂલમાં નાહવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં નદીમાં નાહવા પડ્યા હતા.

નર્મદા નદીમાં પણ બની હતી ગોઝારી ઘટના
મંગળવારે નર્મદા નદીમાં ગોઝારો બનાવ બન્યો હતો. સુરતના સણિયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 17 લોકો પોઈચા નર્મદા નદી કિનારે નહાવા આવ્યા હતા. મંગળવારે બપોરે 12 કલાકે ભરતભાઈ બલદાણીયા સહિત બીજા 9 વ્યક્તિ નર્મદામાં ન્હાવા ગયા હતા. પરિવારના સભ્યો ન્હાવાની મજા માણતા હતા ત્યારે ઉંડાણવાળી જગ્યાએ નવ સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બુમાબુમ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ બે વ્યક્તિને બચાવી લેવાયા હતા. આજે બુધવારે સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. હજી છ લોકોના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.