પહેલા ગુરુ હરિનો રાજીપો પછી ફરવા જઈશું- લગ્ન બાદ પ્રમુખસ્વામી શતાબ્દીમાં સેવા આપવા પહોચી ગયું નવદંપતી

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નિર્માણ પામેલા પ્રમુખસ્વામી નગર(Pramukh Swami Nagar)ની મુલાકાત લેનારાની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવાકાર્ય માટે પણ હરિભક્તોમાં ભારે પડાપડી થઈ હતી. મહત્વનું છે કે, આ સેવાકાર્યમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે અને ખડેપગે પોતાની સેવા આપી રહ્યા છે.

જેમાંથી કેટલાક તો નોકરી છોડીને સેવા કરવા માટે આવી ગયાછે, તો કેટલાકે નોકરી જતી કરી છે. જ્યારે વ્યવસાય કરનારા હરિભક્તો અન્ય લોકોને ધંધો સોંપીને ગુરુ હરિનો રાજીપો મેળવવા માટે આવી ગયા છે. ત્યાં સુધી કે કેટલાક પરિવારે પોતાનાં સંતાનોના લગ્નની તારીખ પણ પાછી ધકેલી છે તો અમુક લોકો તો લગ્નગ્રંથિથી જોડાયા બાદ હનીમૂન મનાવવાને બદલે સીધા જ સેવામાં જોડાઈ ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. તેમાંથી એક કપલ દ્વારા લગ્ન બાદ તરત સેવામાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવી રહેલા સૌમિલ કમલેશ મોદીએ જણાવતા કહ્યું હતું કે, હું 35 દિવસની સેવામાં જોડાયો છું. પ્રમુખસ્વામી મહારાજ વિશ્વવંદનીય સંત હતા. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જ્યારે વાત કરવામાં આવે ત્યારે બધાને ગુણાનુભાવ થાય છે અને બધા રાજીખુશીથી રજા પણ આપી દેતા હોય છે અને મને પણ બેંકમાંથી રજા આપી દેવામાં આવી હતી.

તેમણે જણાવતા કહ્યું હતું કે, મારી સગાઇ એપ્રિલ-2022માં થઇ હતી. પછી અમે વિચારતા હતા કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પહેલાં લગ્ન વિધિ રાખવી કે પછી રાખવી? પહેલા પ્રમુખસ્વામી મહારાજ પત્રો દ્વારા માર્ગદર્શન આપતા હતા. એ જ શ્રુંખલામાં મહંત સ્વામી મહારાજને પત્ર લખીને અમે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતાં કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ પહેલાં જ લગ્નવિધિ કરી દો. તો જ સજોડે શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી સેવા થઈ શકે છે. મહંત સ્વામીના આશીર્વાદથી 27-11-2022ના રોજ અમે લગ્નના તાંતણે જોડાયા હતા. લગ્નવિધિ પછી પૂર્વતૈયારીના રૂપે પ્રમુખસ્વામી નગરમાં આવવા-જવાનું તો રહેતું જ હતું, પરંતુ સેવામાં 11 ડિસેમ્બર-2022ના રોજ આવી ગયાં છીએ અને મારાં પત્ની પણ સત્સંગી છે અને યોગ્ય તાલીમ કેન્દ્રના સભ્ય પણ રહી ચૂક્યાં છે. અમે લગ્ન પછી સજોડે પ્રમુખસ્વામી નગરમાં સેવામાં જોડાઈ ગયાં છીએ.

તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, જ્યારે મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આવ્યા હતા કે લગ્નવિધિ પૂર્ણ કરી દેવાની છે. ત્યારથી જ અમારું પ્લાનિંગ હતું કે, ફરવા તો આપણે ગમે ત્યારે જઈ શકીએ છીએ, પરંતુ શતાબ્દી મહોત્સવ તો 100 વર્ષમાં એકવાર આવતો હોય છે. તો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવા ચૂકી ના જવાય અને જિંદગીભર વસવસો રહી ના જાય એ માટે સેવામાં જોડાવાનો નિર્ણય લગ્ન પછી તરત જ અમારા દ્વારા લેવામાં આવ્યો હતો અને હજુ ફરવા જવાનું નક્કી નથી કર્યું. અત્યારે તો અમારો તો એક જ લક્ષ્ય છે કે શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી સેવા કરીને ગુરુ હરિનો રાજીપો મેળવવો.

જ્યારે સૌમિલ મોદીનાં ધર્મપત્ની માનસી મોદીએ જણાવતા કહ્યું હતું કે મે નર્સિંગ કર્યું છે. અત્યારે પ્રમુખસ્વામી નગરમાં મારી સેવા મેડિકલ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ નર્સ તરીકે છે. સેવામાં હું 11 ડિસેમ્બર-2022ના રોજ જોડાઈ ચુકી છું અને 35 દિવસની મારી સેવા છે એટલે 18-1-2023 સુધી સેવામાં છું. મહંત સ્વામી મહારાજએ કહ્યું હતું કે, આ મહોત્સવ એવો છે કે ન ભૂતો, ન ભવિષ્યતિ, એટલે સેવા અમારે અચૂક કરવી જ હતી. જેથી અમે કઈ ફરવા માટે જવાનું પ્લાનિંગ કર્યું નહોતું. સેવા જેટલા દિવસની મળે એ પહેલાં લઈ લઇશું અને બાપાનો રાજીપો મેળવીશું. પહેલા ગુરુ હરિનો રાજીપો મેળવીશું અને પછી ફરવા જઇશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *