રાજકોટમાંથી નકલી આયુષમાન કાર્ડનું કૌભાંડ આવ્યું સામે, 30 રૂપિયાનું કાર્ડ 700માં કાઢી આપતા

પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ગરીબોને આશીર્વાદરૂપ બને કે ન બને પરંતુ ઠગબાજો માટે આ યોજના ફળી હોય તેવું લાગી રહ્યું છે. કેમકે, આયુષમાન કાર્ડ કાઢવાના નામે રાજકોટમાં ચાલી રહ્યું હતું એક કૌભાંડ જેનો પર્દાફાશ થયો છે.

આજે સવારે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો કેમ્પ વણિક સમાજના નામથી યોજી લાભાર્થીઓ પાસેથી કાર્ડ દીઠ રૂ. 700ના ઉઘરાણા કરવાનું કૌભાંડ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે ઝડપી લીધું હતું.આ અંગે ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, તેઓને રૂ.700માં ગેરકાયદે આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમી મળતાં આજે સવારે સદરમાં આવેલ લાલ બહાદુર કન્યા શાળામાં યોજાયેલા આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં કલેક્ટર ત્થા જિલ્લા પંચાયતના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડતા સ્થળ ઉપરથી 4 આયુષ્યમાન કાર્ડના રૂ. 3000 લેતા કેમ્પના આયોજકોને રંગેહાથ ઝડપી લીધા હતા.

બોગસ આયુષ્માન કાર્ડની ફરિયાદ મળી હોવાને લીધે કલેક્ટરે તથા આરોગ્ય ચેરમેને દરોડા પાડી આ કૌભાંડનો પર્દાફાર્શ કર્યો હતો. ત્યારે અનેક સવાલો થાય છે કે, કેટલાં સમયથી ચાલતું હતું આ આયુષમાન કાર્ડનું કૌભાંડ?, કેટલાં ગરીબોનાં પૈસા લૂંટ્યા છે?, હજુ સુધી કેટલાં બોગસ આયુષમાન કાર્ડ નીકળ્યા છે?, કાર્ડ કાઢવાની સામગ્રી આ લોકો પાસે ક્યાંથી આવી? તથા સદર બજારમાં ધમધમતા આ કૌભાંડની કોઇને જાણ જ ન હતી? આ તમામ સવાલો તંત્રના ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ત્યારે સવાલ એ છે કે આમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પગલા ભરાશે કે પછી તેઓ અજાણ હતાં તેમ કહી છાવરવામાં આવશે.

કોંગ્રેસે આપી પ્રતિક્રિયા કહ્યું, આતો બહું નાનું કૌભાંડ છે

આયુષમાન કાર્ડ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. લલિત કગથરાએ કહ્યું કે આ એક આઇસબગ છે નાનુ કૌભાંડ છે. સરકારની કૌભાંડીઓ પર પકડ નથી. અગાઉ મગફળીમાં પણ કૌભાંડ થયા પણ કોઇ ઝડપાયું નથી. રેવન્યૂ વિભાગમાં ખોટા દસ્તાવેજો થાય છે. આટલા કૌભાંડ થાય છે ત્યારે સરકારે પોતાનો ડર ઉભો કરવો જોઇએ.

રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા

આ પૈસા લેવા બાબતે આયોજકોએ એવી સ્પષ્ટતા કરી હતી કે, અમો વણિક સમાજ માટે આ કેમ્પ યોજ્યો છે. અને સમાજના ઉત્થાન માટે આ પૈસા લઇએ છીએ. જ્યારે ચેરમેન જયમીન ઠાકરે આ બાબતે આયોજકોને સ્પષ્ટ ચીમકી આપી હતી કે આ સરકારની યોજના છે કોઇ સમાજના નામે આયુષ્યમાન કાર્ડ પૈસા લઇને કાઢવા તે ગેરકાયદેર છે. માટે આ બાબતે કાયદેસરની કાર્યવાહી થશે. આ કૌંભાડમાં ભરૂચ અને વડોદરાના ઓપરેટરો હોય આ રાજ્યવ્યાપી કૌંભાંડની શંકા આરોગ્ય ચેરમેને વ્યક્ત કરી હતી.

કૌભાંડકારો પાસેથી રૂ.4 લાખ જપ્ત

દરમિયાન આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આ સ્ટીંગ ઓપરેશન બાદ કેમ્પના આયોજકો પાસેથી રૂ. 4 લાખની રકમ જપ્ત કરાઇ હતી. આ સમગ્ર કેસ એસ.ઓ.જી., ક્રાઇમ ડીપાર્ટમેન્ટને વધુ તપાસ માટે સુપ્રત કરી દેવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *