યુવાનો માટે મિસાલ બન્યો આ યુવક: માત્ર 17 દિવસમાં જ અગ્નિવીર 1100 કિ.મી દોડીને પહોંચ્યો મહાકુંભ

Mahakumbh Agniveer News: બિહારના સુપૌલ જિલ્લાના પિપરા બ્લોકના રામનગર કૌશલપટ્ટીના રહેવાસી યુવા દોડવીર રૂપેશે તેના સાહસથી (Mahakumbh Agniveer News) કમાલ કરી બતાવી. રૂપેશે 1100 કિલોમીટરનું અંતર દોડીને પૂરું કર્યું. તેમની યાત્રામાં તેમણે સહરસાથી પ્રયાગરાજ સુધીની મુસાફરી કરી. 23 જાન્યુઆરીએ શરૂ થયેલી આ યાત્રા 8 ફેબ્રુઆરીએ સંગમ સ્નાન સાથે પૂરી થઈ હતી.

આત્મવિશ્વાસ, સંઘર્ષ અને ભક્તિનું ઉદાહરણ
જો કે, તે માત્ર ધાર્મિક યાત્રા ન હતી, પરંતુ આત્મવિશ્વાસ, સંઘર્ષ અને ભક્તિનું ઉદાહરણ બની હતી. રૂપેશ દરરોજ લગભગ 10 કલાક દોડતો હતો. આ સફરમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ રૂપેશે હાર ન માની અને પોતાના મુકામ પર પહોંચીને જ રહ્યો.

રસ્તામાં રૂપેશનું પર્સ ચોરાઈ ગયું, લોકોની મદદ લીધી
જ્યારે રૂપેશે મુસાફરી શરૂ કરી ત્યારે રસ્તામાં તેનો મોબાઈલ અને પર્સ ચોરાઈ ગયા હતા, જેના કારણે તેની મુસાફરી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ છતાં, તેણે હાર ન માની અને સ્થાનિક લોકોની મદદથી તેની યાત્રા ચાલુ રાખી. માત્ર 300 રૂપિયાથી શરૂ થયેલી આ સફર તેણે લોકોની મદદ લઈને પૂરી કરી.

પ્રવાસ વચ્ચે થાકીને મિત્રો પણ સાથ છોડીને ચાલ્યા ગયા
શરૂઆતમાં તેમના બે મિત્રો પણ રૂપેશની સાથે હતા, પરંતુ બખ્તિયારપુર પહોંચતા પહેલા જ તેઓ થાકી ગયા અને પાછા ફર્યા હતા. આ પછી રૂપેશે એકલાએ 1100 કિલોમીટરનું અંતર કાપ્યુ હતુ.

શરૂઆતમાં લોકોએ રૂપેશની મજાક ઉડાવી હતી
રૂપેશના પિતા રામપ્રવેશ યાદવે જણાવ્યું કે, ‘યાત્રાની શરૂઆતમાં લોકોએ તેમના પુત્રની મજાક ઉડાવી હતી. ઘણા લોકો તેને પૈસા કમાવવાનું સાધન પણ માનતા હતા, પરંતુ જ્યારે લોકોએ તેની મજબૂત ઇચ્છાશક્તિ અને સમર્પણ જોયું તો તેમની વિચારસરણી બદલાઈ ગઈ. આજે સમગ્ર વિસ્તારમાં રૂપેશની પ્રશંસા થઈ રહી છે અને અમારો પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.’

અગ્નિવીર તરીકે રૂપેશની થઇ છે પસંદગી
રૂપેશને 2024માં અગ્નિવીર માટે પસંદ કરવામાં આવ્યો છે અને તે બીએનએમયુની ગૈલાધ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કરી રહ્યો છે. તેનું સપનું ભારત માટે મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. આ માટે તેમણે સરકાર અને સમાજ પાસેથી સહકારની અપીલ કરી છે.