અમદાવાદ: એક્સપ્રેસ વે પર બાઇકનો અકસ્માત સર્જાતા માતા-પિતાનાં મોત, બાળકોને જોઇને ભલભલાને કંપારી છૂટી જાય

Ahmedabad Expressway Accident: શનિવારે ગુજરાત પર શનિનો પ્રકોપ બેઠો હોય તેવું લાગી રહ્યું છે, એકસાથે 5-6 અકસ્માતના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાના આજવા ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે સુરતથી અમદાવાદ(Ahmedabad Expressway Accident) તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇકને ફૂટબોલની જેમ ઉલાળતાં દંપતીનું મોત નીપજ્યું.

માતા-પિતાનાં મોત, માસૂમ બચ્યાં
જ્યારે તેમનાં બે બાળકને ઇજા પહોંચતાં સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં છે. અકસ્માતમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં મા-બાપનાં મોત થયાં હતાં, જ્યારે તેમનાં બે માસૂમ બાળકોનાં એવાં દૃશ્યો સામે આવ્યાં છે કે ભલભલાને કંપારી છૂટી જાય.

એક તસવીરમાં તો માતાના મૃતદેહની બાજુમાં ઈજાગ્રસ્ત તેનો લાડકવાયો પુત્ર જોવા મળે છે. આ દૃશ્ય જોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયાં હતાં, જ્યારે એમાં તો બાળકો 108 એમ્બ્યુલન્સમાં સારવાર લેતાં જોવા મળી રહ્યાં છે. ત્રીજી તસવીરમાં બાઈકચાલક યુવાનના માથાના ફુરચેફુરચા નીકળી ગયા હોય એવું જોવા મળી રહ્યું છે.

એક કલાક પછી આ અકસ્માત જોવા અમદાવાદથી સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઇસર ટ્રક બંધ કરી દોડી આવ્યો હતો. બંધ આઇસરને પાછળથી એક લક્ઝરી બસે ટક્કર મારતાં બેલેન્સ ગુમાવ્યું હતું અને બસ ડિવાઇડર કુદાવી સ્ટુડિયોની દીવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 7થી 8 મુસાફરોને ઈજા પહોંચી હતી.

બસ ડિવાઈડરની લોખંડની રેલિંગ તોડી દીવાલમાં ઘૂસી
ટ્રાફિક એસીપી જે.આઇ. વસાવાએ જણાવ્યું હતું કે આજે સવારે 6.20 વાગ્યે સુરત તરફથી અમદાવાદ તરફ જતા હાઇવે પર બાઇકસવાર દંપતી તેમનાં બાળકો સાથે જતું હતું. ત્યારે અજાણ્યા વાહને દંપતીને અડફેટે લેતાં તેમનાં મોત થયાં છે. આ દંપતીની ઓળખ થઈ જતાં દાહોદથી તેમનાં સગાંવહાલાંને બોલાવી લીધાં છે. જ્યારે તેમનાં બે બાળકોને ઇજા પહોંચતાં બન્નેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.