અમદાવાદ: મેલડી માતાના દર્શન કરી પરત ફરતા પરિવારને ભરખી ગયો કાળ, 3ના મોત

Ahemdabad Accident: અમદાવાદના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરી રહેલા ગાંધીનગરના ઝુંડાલ ગામના રબારી પરિવારની (Ahemdabad Accident) કારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં પરિવારના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એક જ પરિવારના ત્રણના મોત
મળતી માહિતી અનુસાર, ચૈત્ર નવરાત્રિના નોરતા હોવાથી ગાંધીનગરના ઝુંડાલનો રબારી પરિવાર સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરવા ગયો હતો. જે દરમિયાન દર્શન કરીને પરત ફરી રહેલા આ દર્શનાર્થીઓની કાર અકસ્માતનો ભોગ બની હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પાણી ભરેલી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના કનુ દેસાઈ, વિશાલ દેસાઈ અને દર્શન દેસાઈએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માત અંગે સાણંદ GIDC પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો મોતને ભેટ્યા
કનુભાઇ રૂગનાથભાઇ દેસાઇ, વિશાલકુમાર ગણેશભાઇ દેસાઇ, દર્શનકુમાર અરજણભાઇ દેસાઇ આ લોકો મોતને ભેટ્યા છે અને તમામ લોકો ગાંધીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.