અમદાવાદ ભક્તિરસમાં તરબોળ; રથયાત્રાના દર્શનથી ભક્તોમાં અનેરો ઉત્સાહ, યુવાનોએ ખેલ્યાં દિલધડક કરતબો

Ahmedabad Rath yatra 2024 Live: અમદાવાદ, ગુજરાતના જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા કાઢવામાં આવી હતી. લાખો ભક્તો એકઠા થયા છે. જગન્નાથ મંદિરમાં રથયાત્રાના પ્રારંભ પહેલા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. રથયાત્રા પહેલા તેમણે મંગળવારે વહેલી સવારે જગન્નાથ મંદિરમાં(Ahmedabad Rath yatra 2024 Live) મંગળા આરતી કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરે પહોંચીને ભગવાનની આરતી કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને વિધિ પૂર્ણ કરી હતી.

ઠેર-ઠેર જય જગન્નાથનો નાદ
આજે અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી ગયા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ઠેર-ઠેર જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે.

રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર
રથયાત્રાના રૂટ પર ચાંપતી નજર રખાઇ રહી છે. 147મી રથયાત્રામાં 23,600 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યા છે. DG, ADG સહિત 9 અધિકારી સાથે 16 DCP, SP સહિતના ઉચ્ચ 28 અધિકારી, ACP, DYSP કક્ષાના 89 અધિકારી ઉપસ્થિત PI કક્ષાના 289, PSI કક્ષાના 630 અધિકારી તથા શહેરમાં કુલ 12,600 પોલીસ કોન્સ્ટેબલ તૈનાત છે.

CMએ રથયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
સીએમ ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી સફાઈ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જગન્નાથ રથયાત્રાનો ઉત્સવ 12મીથી 16મી સદીની વચ્ચે શરૂ થયો હતો. તેના મૂળ વિશે ઘણી વાર્તાઓ અને માન્યતાઓ છે. કેટલાક કહે છે કે તે ભગવાન કૃષ્ણની તેમની માતાના જન્મસ્થળની મુલાકાતને દર્શાવે છે. અન્ય લોકો માને છે કે તેનો ઉદ્દભવ રાજા ઇન્દ્રદ્યુમ્નથી થયો હતો, જેમણે કથિત રીતે ધાર્મિક વિધિઓ શરૂ કરી હતી.

અમિત શાહે મંગળા આરતી કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 147મી રથયાત્રાના પાવન અવસરે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. તેમજ પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા.

મેડિકલ ઈમરજન્સી મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય
રથયાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાયું છે. આ રથયાત્રામાં શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાશે.