વસ્ત્રાપુર સેટેલાઈટ સેન્ટરમાં રહેતા એક વેપારીને મોડી રાતે વોટસએપ ઉપર ફ્રેન્ડશીપ કરવા માટે મેસેજ કરીને એક યુવતી હેરાન પરેશાન કરી રહી હતી. સતત 3 રાત સુધી આવી રહેલા મેસેજોથી તંગ આવી ગયેલા વેપારીએ આખરે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે નંબરના આધારે તે યુવતીની શોધખોળ શરૂ કરી છે.
વસ્ત્રાપુર સેટેલાઈટ સેન્ટરમાં રહેતા વિજય નારંગને 19 ઓકટોબરે મોડી રાતે વોટસએપ મેસેજ આવ્યા હતા. જેમાં લખ્યું હતુ કે, હાય, કેસે હો આપ, તબિયત કૈસી હૈ, ડીપી બહુત બઢીયા હૈ, મસ્ત કાર હૈ આપકા, આપકા નામ ક્યા હૈ, મેરા નામ પ્રિત ફોર્મ લુધીયાણા હૈ, આપકા નામ અચ્છા નહીં હૈ, ક્યા આપકા જીએફ હૈ, ક્યા સિંગલ ઓર મેરિડ પર ફ્રેન્ડશીપ કરની હૈ, આપ સે ઈન્ટ્રેસ્ટેડ, જેવા મેસેજો રાતે 3.07 વાગ્યા સુધી આવ્યા હતા.
ત્યારબાદ કુછ તો બોલો યાર હેપ્પી દશેરા, તેવો મેસેજ કરીને ફરી વખત આપ કો દેખા તો કુછ કુછ હો ગયા તેવા મેસેજ મોકલ્યા હતા.
ત્યારબાદ બીજા દિવસે મીસીંગ મી એક બાત તો પક્કી હૈ આપકી શાદી નહીં હુઆ હૈ ઈસી લીએ આપ ઈતની રાત તક જાગ રહે હો, મેં સિંગલ હું 29 વર્ષ આઈએમ સ્ટડીંગ લાસ્ટ યર જેવા મેસેજ મોકલવાનું ચાલુ જ રાખ્યુ હતુ.
જેથી 21 ઓકટોબરે વિજયભાઇએ તેને મેસેજ કરીને કહ્યું હતું કે, તમે કોણ છો, અમારો નંબર તમને ક્યાંથી મળ્યો અને નહીં જણાવો તો અમે પોલીસમાં રિપોર્ટ કરીશું તેમ કહેતા સામેથી મેસેજ આવ્યો હતો કે જાઓ કરવી હોય તો રિપોર્ટ કરો મોસ્ટ વેલ્કમ ટુ ડુ સો, આવા મેસેજ કરીને વેપારીને સતત ત્રણ દિવસ હેરાન કરતા આખરે વિજય નારંગે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી જે નંબર પરથી મેસેજ આવતા હતા તેની તપાસ શરૂ કરી છે.