Ahemdabad Coldplay Concert: ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન(જીએમઆરસી)એ 25મી અને 26મી જાન્યુઆરી 2025ના રોજ એક મહત્ત્વપૂર્ણ રૅકોર્ડ બનાવ્યો છે. આ દરમિયાન અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા નોંધાઈ હતી. 25મી જાન્યુઆરીએ (Ahemdabad Coldplay Concert) આશ્ચર્યજનક રીતે 2,13,735 મુસાફરો અને 26મી જાન્યુઆરીએ 1,91,529 મુસાફરોએ મેટ્રોની સેવાનો લાભ લીધો હતો. કોલ્ડપ્લે કૉન્સર્ટ દરમિયાન છેલ્લા અઠવાડિયામાં શનિવાર અને રવિવારની સરખામણીમાં દરરોજ લગભગ 1 લાખ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દિવસોમાં દરરોજ 50,000 વધારાના મુસાફરોએ અવર-જવર માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો.
મુસાફરીનો રૅકોર્ડ બ્રેક આંકડો નોંધાયો
25 અને 26 જાન્યુઆરી 2025 દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા કૉન્સર્ટમાં કુલ 4,05,264 મુસાફરીનો રૅકોર્ડ બ્રેક આંકડો નોંધાયો હતો. નોંધનીય છે કે GMRCએ અમદાવાદ મેટ્રો(મોટેરાથી APMC અને વસ્ત્રાલથી થલતેજ ગામ)માં મેટ્રો ટ્રેન સેવાને રાત્રે 12:30 વાગ્યા સુધી લંબાવી હતી. કૉન્સર્ટ માટે દર આઠ મિનિટે મેટ્રો ટ્રેનો દોડાવવામાં આવી હતી.
કોલ્ડપ્લે માટે વધારાની ટ્રીપ
અમદાવાદ મેટ્રો દ્વારા નિયમિત 313 મેટ્રોની ટ્રીપ ઉપરાંત 25 જાન્યુઆરીએ 93 વધારાની ટ્રેન ટ્રીપો દોડાવવામાં આવી હતી, જ્યારે 26મી જાન્યુઆરીએ 114 વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી.
કોન્સર્ટ બાદ ખાણી પીણી બજારમાં ઉમટ્યાં લોકો
મેટ્રો સિવાય અમદાવાદના ખાણી પીણી માર્કેટને પણ આ કોન્સર્ટથી તોતિંગ આવક થઈ હતી. સીજી રોડનું મ્યુનિસિપલ માર્કેટ અને માણેક ચોક બજારમાં લોકો ઉમટી પડ્યા હતા. આ બે દિવસ દરમિયાન અહીંયા હૈયેહૈયું દળાય એટલી ભીડ હતી. જેના કારણે વિક્રેતાઓને પણ તગડી કમાણી થઈ હતી અને ઘણી જગ્યાએ તમામ વસ્તુ વેચાઇ જતાં સ્ટોલ બંધ કરવા પડ્યા હતા.
કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પણ સતત વ્યસ્ત રહ્યું હતું. 25 અને 26 જાન્યુઆરીના કોન્સર્ટને લઈ દેશ વિદેશમાંથી 24 તારીખથી જ લોકો આવવા લાગ્યા હતા. 25 જાન્યુઆરીએ ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ અને ચાર્રર્ડ મળી 340 ફ્લાઇટ્સની અર જવર થઈ હતી.3 દિવસમાં 980 ફ્લાઇટ્સમાં રેકોર્ડ 1.38 લાખ મુસાફરો આવ્યા હતા. સ્ટેડિયમની બહાર પણ મોટી સંખ્યામાં ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેનો પણ મુસાફરોએ લાભ લીધો હતો. રિક્ષા ચાલકોને પણ બે દિવસ દરમિયાન બંપર કમાણી થઈ હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને કેટલી થઈ આવક
આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલ્ડપ્લે કોન્સર્ટ માટે બુક થયેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ભાડા અને સિંગર તથા આર્ટિસ્ટને મળી 120 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા હજુ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. કોન્સર્ટ બે દિવસનો હતો પરંતુ કાર્યક્રમ માટે સ્ટેડિયમ, લાઇટ અને મ્યુઝિક જેવી સિસ્ટમ ગોઠવવા એક સપ્તાહ પહેલા આયોજકોને સોપંવામાં આવ્યું હતું. સ્ટેડિયમનું એક દિવસનું ભાડું 20 કરોડ મળી કુલ બે દિવસના 40 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. તેમજ કોલ્ડપ્લે ટીમને બે દિવસના 80 કરોડ મહેનતાણું ચૂકવાયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App