ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે અમદાવાદમાં નોંધાયું 11.8 ડિગ્રી તાપમાન, જાણો ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

Gujarat Coldwave Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ રહી શકે છે. આગામી 5 દિવસ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. તાપમાનમાં 1-2 ડિગ્રીની વધ-ઘટ થવાની સંભાવના છે. ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ઠંડીનો અનુભવ (Gujarat Coldwave Forecast) થાય છે. સૌરાષ્ટ્રમાં હજુ પણ ઠંડીનો ચમકારો વર્તાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ તાપમાન વધવા છતાં પવનના લીધે ઠંડી વર્તાશે તેવી આગાહી કરવામાં આવી છે.

ઠંડીને લઈને પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.હાલ જે ઠંડી પડી રહી છે.તેમાં 18 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ ઠંડીમાં આંશિક રાહત મળશે.ત્યાર બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે.18 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો કહેર જોવા મળશે. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં તાપમાનનો પારો ગગડશે.પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ સમય દરમિયાન છેલ્લા પાંચ વર્ષની રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે.

અંબાલાલ પટેલે કરી આ આગાહી
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, આજથી 26 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી. લઘુતમ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ મહત્તમ તાપમાનમાં ગુજરાતના ભાગોમાં વધવાની શક્યતા રહેશે. તાપમાન વધવાનું કારણ એ છે કે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી. જેના કારણે તાપમાન વધશે. અને દિવસના ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, ડિસેમ્બરના એન્ડમાં ફરી ઠંડીનું જોર વધશે. 26 ડિસેમ્બર બાદ ફરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, ડિસેમ્બરના એન્ડમાં ઠંડી પડશે. અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 14 જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટા આવશે.

નલિયામાં તાપમાન ગગડ્યું, 6.5 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર
ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કાતિલ ઠંડીના પગલે લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહ્યું છે. ગુજરાતમાં 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયા 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં બે ડિગ્રીથી વધારે તાપમાન ગગડ્યું
ગુજરાતમાં શિયાળો આગળ વધી રહ્યો છે. અને પોતાનું અસલી સ્વરૂપ દેખાડી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ મંગળવારે ઠંડીનો પારો બે ડિગ્રી કરતા વધારે ગગડ્યો હતો. અમદાવાદમાં સોમવારે 14 ડિગ્રી તાપમાન હતું જે મંગળવારે 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા બે ડિગ્રી કરતા વધારે ઘટાડો નોધાયો હતો. ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.