ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડમાં અલ્પેશ ઠાકોરે તોડ્યું મૌન, કહ્યું: “મને થાય છે કે તે નરાધમને…”

સુરત(SURAT): આજે સવારે 9:30 કલાકે ઘરથી સ્મશાન સુધી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી હતી. સમાજની દિકરીની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા હતા. 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ તાલુકામાં ગ્રીષ્મા વેકરીયા નામની દીકરીને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં જ ઘાતકી હત્યા કરી હતી. આ હત્યાના બનાવને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી રોષ ઠાલવ્યો છે. અલ્પેશ ઠાકોરે પોતાની રિવોલ્વરથી ગોળી મારીને હત્યારાને પતાવી દેવાની વાત કરી હતી. યુવાનોને બહેન-દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવા જણાવ્યું હતું.

દીકરીઓ માટે માથું આપી દેવા તૈયાર: અલ્પેશ ઠાકોર
સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડમાં અલ્પેશ ઠાકોરે મૌન તોડ્યું છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે પાટોત્સવમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે સુરતની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આવા બનાવો વધી રહ્યાં છે. કેટલાંક અસામાજિક તત્ત્વો છડેચોક બહેન-દીકરીઓ પર ત્રાસ ગુજારતાં થયાં છે. બે દિવસ પહેલાં જ સુરતમાં કાળજું કંપાવી નાખે એવી ઘટના બની.

આ ઘટના જોઇને ગમે તેવા મજબૂત માણસની આંખમાંથી આંસુ નીકળી જાય. લોકોની વચ્ચે જાહેરમાં એક નરાધમ દીકરીને છરી મારી દે. કાળજું કાંપી ઊઠે, મને પોતાને એવું થયું કે મારી રિવોલ્વરથી આ નરાધમને ગોળી મારી દઉં.. આ બધું કેવી રીતે ચાલે? હું મારા યુવાનોને કહું છું કે ક્યાંય પણ દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવાનું, પણ આવા લોકોને ઊંચા નહીં થવા દેવાના.

જાણો શું હતી સમગ્ર ઘટના?
12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરા પાટિયાપાસે માથાભારે યુવકે યુવતીને જાહેરમાં જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજે યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

યુવતીના મોટા પપ્પા દ્વારા બે દિવસ પહેલા ફરી ઠપકો આપવામાં આવતા યુવક રોષે ભરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. આ દરમિયાન, યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકો અને પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો  હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *