આજે ગુજરાતમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડશે વરસાદ

Gujarat Varasad: રાજ્યમાં સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હોવાથી નદીમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે આગામી 24 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત(Gujarat Varasad) સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

અહીંયા કરવામાં આવી વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

NDRFની 10 ટીમો તૈનાત
અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે 16 જળાશયો ભરાયા છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો
આ ઉપરાંત સરદાર સરોવર ડેમ સહિત 36 જળાશયો અને 25 ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે તેમની કુલ ક્ષમતાના 50 થી 70 ટકા જેટલું ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં અસાધારણ રીતે ભારે વરસાદ થયો હતો અને જૂનાગઢ અને પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થયો હતો.

ભારે વરસાદનું અનુમાન
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે અને દક્ષિણ-પશ્ચિમ તરફ વળેલું છે. મંગળવાર સવાર સુધી સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે અતિ ભારે વરસાદનું અનુમાન છે.

23-24 જુલાઈએ અમદાવાદ-ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ‘બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં આગામી 24 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતના વિવિધ ભાગમાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે 23-24 જુલાઈના દિવસે અમદાવાદ, ગાંધીનગર, પાટડી, દસાડા, વિરમગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.’